કમ્પાલાઃ સામાન્ય રીતે વાઘ અને ચિત્તાથી વિપરીત સિંહ પાણીમાં તરવા માટે જાણીતા નથી પરંતુ, યુગાન્ડામાં જેકોબ અને ટિબુ નામના સિંહ ભાઈઓએ તેમની પ્રજાતિ માટે સૌથી લાંબુ અંતર તરવાનો જાણે વિક્રમ સર્જ્યો છે. આ ઘટનામાં સૌથી નોંધપાત્ર હકીકત એ છે કે એક સિંહ જેકોબે ગેરકાયદે શિકારીઓના કારણે એક પગ ગુમાવેલો છે.
સંશોધકોએ ડ્રોનની મદદથી જેકોબ અને ટિબુ દ્વારા કાઝિન્ગા ચેનલ ઓળંગવા ઘટનાનું ફિલ્માંકન કરેલું છે. જેકોબ અને ટિબુ જીવનસાથીની શોધમાં એટલા મક્કમ હતા કે તેઓ મગર અને હિપ્પોઝથી છવાયેલી ચેનલ પાર કરી 1.5 કિલોમીટર દૂર સામે કાંઠે પહોંચ્યા હતા. સંશોધકોની ટીમે આ ઘટનાને કેમેરામાં કંડારી તેમના તારણો ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન જર્નલમાં પ્રસિદ્ધ કર્યા છે. ઓસ્ટ્રેલિયાની ગ્રીફિથ યુનિવર્સિટી અને નોર્ધર્ન એરિઝોના યુનિવર્સિટીમાં કાર્યરત કન્ઝર્વેશન બાયોલોજીસ્ટ એલેકઝાન્ડર બ્રેઝકોવસ્કી કહે છે કે થોડા અંશે આવી ઘટનાઓ માટે માનવજાત જવાબદાર છે. માનવીના વર્ચસ્વ હેઠળના વિશ્વમાં પ્રાણીઓએ આટલા મોટાં જોખમ ખેડવા પડે છે.
બ્રેઝકોવસ્કીના માનવા મુજબ જેકોબ અને ટિબુને નેશનલ પાર્કમાં સિંહણોના અભાવના કારણે લાંબી નદી ઓળંગી સામેના વિસ્તારમાં જવાની ફરજ પડી હોઈ શકે. પશુધનના મોતનો બદલો લેવા ખેડૂતો દ્વારા સિંહણોની ગેરકાયદે હત્યા કરાઈ હોવાની શંકા છે. આના પરિણામે, જંગલમાં સિંહણ કરતાં સિંહની સંખ્યા વધી ગઈ છે. વાસ્તવમાં બે સિંહણની સામે સરેરાશ એક સિંહની હાજરી હોવી જોઈએ પરંતુ, ક્વીન એલિઝાબેથ નેશનલ પાર્કમાં પરિસ્થિતિ ઉલટી છે. જેકોબ અને ટિબુએ એક કલાકના ગાળામાં ત્રણ વખત નદી ઓળંગવાનો પ્રયાસ કર્યો તે પહેલા અન્ય સિંહો સાથે વર્ચસ્વની લડાઈમાં પરાજિત થયા હતા. વિજ્ઞાનીઓએ નદી ઓળંગવાના પ્રયાસને કેમેરામાં કેદ કરી લીધા હતા.
બ્રેઝકોવસ્કીના જણાવ્યા મુજબ હિપ્પોપોટેમસ અથવા નાઈલના મગર તેમનો પીછો કરતા હોય તે શક્ય છે. લેક એડવર્ડ્સ અને લેક જ્યોર્જને સાંકળતી કાઝિન્ગા ચેનલમાં હિપ્પોપોટેમસ અને નાઈલ મગરની વસ્તી ઘણી ચે જેઓ સિંહો પર હુમલાઓ કરવા માટે જાણીતા છે.