જોહાનિસબર્ગ: દ. આફ્રિકાના ટોલ્સટોય ફાર્મને પુનઃ જીવિત કરવા ભારતની કેટલીક કંપનીઓએ બીડું ઝડપ્યું છે. ભારત માટે જ નહીં, સમગ્ર વિશ્વ માટે ટોલ્સટોય ફાર્મનું અનેરું મહત્ત્વ છે. સાઉથ આફ્રિકાના રહેવાસ દરમિયાન મહાત્મા ગાંધીજીએ આ ફાર્મનું સંચાલન કર્યું હતું. આ જ કારણસર દ. આફ્રિકા સ્થિત ભારતની અનેક કંપનીઓએ ટોલ્સટોય ફાર્મને પુનઃજીવિત કરવા હિંમત દાખવી છે.
જોહાનિસબર્ગથી ૩૦ કિ.મી. દૂર આવેલા આ ફાર્મની સ્થાપના કરવાનો ઉદ્દેશ આત્મનિર્ભર સમાજની સમજ કેળવવાનો હતો. એટલું જ નહીં, ટોલ્સટોય ફોર્મ રંગભેદની નીતિ સામેના સત્યાગ્રહનું વડું મથક પણ રહી ચૂક્યું છે. જોકે છેલ્લા ઘણાં વર્ષોથી ગાંધીજીના નિવાસસ્થાન સહિતનું ફાર્મ ખંડેર બની ગયું હતું. પરંતુ હજુય અહીં ઘણું બધું એજ સ્થિતિમાં જળવાયેલું હોવાથી તેનું પુનઃ સ્થાપના કરવાનો નિર્ણય કરાયો છે.
હાલમાં જ આ મુદ્દે ચર્ચા કરવા કોન્સલ જનરલ કે. જે. શ્રીનિવાસે ભારતીય કંપનીઓના હોદ્દેદારોની ઈન્ડિયા બિઝનેસ ફોરમ બોલાવી હતી. આ દરમિયાન કિર્લોસ્કર જૂથના અનિલ સૂરે કહ્યું હતું કે ટોલ્સટોય ફાર્મને પુનઃજીવિત કરવાની ખૂબ જ મોટી તક મળી રહી છે. જે અમારા માટે આનંદની ક્ષણ છે. અને ફાર્મ માટે ભારતની દસ કિલોવોટનું જનરેટર મંગાવ્યું છે.
એવી જ રીતે સીઆરઆઈ પમ્પસના શશીકુમારે કહ્યું હતું કે અમે ફાર્મમાં બોરહોલનું કામ સંભાળીશું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કૃષિને લગતા તમામ કામકાજ માટે મદદ કરવાનું વચન આપ્યું છે. યુનાઈટેડ કલર્સના દેબાજિત શોમે ફાર્મ તૈયાર થઈ જાય પછી તેને પેઈન્ટ કરવાનું વચન આપ્યું છે.