લંડન
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસા પર ફાલા ફાલા ફાર્મ કેસમાં ગંભીર આરોપો મૂકાયા છે. દેશના પબ્લિક પ્રોટેક્ટર જણાવ્યું હતું કે, સિરિલ રામાફોસાના ફાલા ફાલા ફાર્મ હાઉસ ખાતે થયેલી ચોરીના મામલામાં પ્રમુખની પૂછપરછ માટે વિશેષ સબપોએના અધિકારોનો ઉપયોગ કરશે. સરકારે વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રમુખ રામાફોસાએ 18 જુલાઇ 2022 સુધીમાં તેમને 7 જૂન 2022ના રોજ મોકલી અપાયેલા સવાલના જવાબ આપવાના હતા પરંતુ તેમણે અત્યાર સુધી એકપણ સવાલનો જવાબ આપ્યો નથી. આ પહેલાં પણ તેમને 22 જૂનની ડેડલાઇન લંબાવી આપીને 18 જુલાઇ કરાઇ હતી. રામાફોસાએ સવાલોના જવાબ આપવાના બદલે વધુ સમયની માગ કરી હતી પરંતુ તેમની વિનંતીને ફગાવી દેવાઇ હતી. 18 જુલાઇએ પ્રમુખ રામાફોસાને આ અંગેના નિર્ણયની જાણ કરી દેવાઇ છે.
દક્ષિણ આફ્રિકાના પબ્લિક પ્રોટેક્ટરે 1994ના પબ્લિક પ્રોટેક્ટર એક્ટનો હવાલો આપતાં જણાવ્યું હતું કે, હવે તેઓ પ્રમુખની સામે તેમને મળેલા સબપોએના અધિકારોનો ઉપયોગ કરશે. પબ્લિક પ્રોટેક્ટર આ અધિકાર અંતર્ગત દેશની કોઇપણ વ્યક્તિને પોતાની સમક્ષ સોગંદનામુ કરવા અથવા પૂછપરછ માટે વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપી શકે છે. દક્ષિણ આફ્રિકામાં ભ્રષ્ટાચાર પર નિયંત્રણ માટે નિયુક્ત પબ્લિક પ્રોટેક્ટરે જૂન મહિનામાં આ કેસની તપાસ શરૂ કરી હતી. દેશની જાસૂસી સંસ્થાના પૂર્વ વડા આર્થર ફ્રેસરે પ્રમુખ સિરિલ રામાફોસા પર અપહરણ અને ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે. જેના પગલે રામાફોસા સ્થાનિક રાજકારણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
શું છે ફાલા ફાલા ફાર્મ કેસ
આર્થર ફ્રેસરે જ્હોનિસબર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ ફેબ્રુઆરી 2020માં આ કેસની શરૂઆત થઇ હતી. કેટલાક ધાડપાડુઓએ ઉત્તરપશ્ચિમ કેન્યામાં આવેલા રામાફોસાના ફાર્મહાઉસમાં ધાડ પાડી હતી અને તેમને એક ફર્નિંચરમાં સંતાડેલા 40 લાખ અમેરિકન ડોલર રોકડા મળી આવ્યા હતા. રામાફોસાએ આ નાણા પોતાના હોવાનો ઇનકાર કર્યો હતો પરંતુ તેમણે જણાવ્યું હતું કે, તેઓ પ્રાણીઓની ખરીદ-વેચાણ કરે છે અને કેટલીક વાર તેઓ રોકડમાં પણ નાણા સ્વીકારે છે. દક્ષિણ આફ્રિકામાં કોઇ અપરાધની જાણ ન કરવી એ પણ ગેરકાયદેસર છે. ફ્રેસરનો આરોપ છે કે રામાફોસાએ આ ચોરીની ઘટનાને છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. દેશના વિપક્ષોએ આ મામલામાં સંપુર્ણ તપાસની માગ કરી છે.