કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના ઇસ્ટર્ન કેપ પ્રોવિન્સના ઇસ્ટ લંડન શહેરના પરામાં આવેલી એક નાઇટ ક્લબમાં 21 લોકોના રહસ્યમય મોત થયાં હતાં. 26 જૂનના રોજ ઘટેલી આ કરૂણાંતિકામાં માર્યા ગયેલામાં મોટાભાગના સગીરોનો સમાવેશ થાય છે. પ્રાપ્ત થતા અહેવાલો અનુસાર નાઇટ ક્લબના દરવાજા અચાનક બંધ થઇ ગયા હતા અને તેમાં કોઇ પ્રકારના રસાયણનો સ્ત્રાવ કરાયો હતો.
કરૂણાંતિકા સમયે નાઇટ ક્લબમાં હાજર એવા સિબોન્ગાઇલ સેવુએ જણાવ્યું હતું કે, હું બાર ખાતે ડ્રિંક્સનો ઓર્ડર આપી રહ્યો હતો ત્યારે અચાનક જ દરવાજા બંધ થઇ ગયા હતા અને કોઇ પ્રકારના રસાયણનો સ્ત્રાવ થયો હતો. જાણે કે હવામાં ટિયરગેસ અથવા તો પેપર સ્પ્રેનો સ્ત્રાવ કરાયો ન હોય? નાઇટ ક્લબમાંથી બહાર જવાનો એકપણ દરવાજો ખુલ્લો નહોતો. અમે શ્વાસ પણ લઇ શક્તા નહોતા.
બીજી તરફ, ઇસ્ટર્ન કેપ લીકર બોર્ડે નાઇટ ક્લબના માલિકો સામે ક્રિમિનલ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ક્લબના માલિકો પર સગીરોને શરાબ વેચવાનો આરોપ મૂકાયો છે. માર્યા ગયેલા મોટાભાગની ઊંમર 18 વર્ષ કરતાં ઓછી હતી. પોલીસના પ્રવક્તા બ્રિગેડિયર તેમબિનકોસી કિનાનાએ જણાવ્યું હતું કે, હાલના સ્તરે આ ઘટનાની તપાસમાં કોઇ પ્રગતિ થઇ શકી નથી. નાઇટ ક્લબમાં કેવા પ્રકારના રસાયણનો સ્ત્રાવ કરાયો હતો તેના રિપોર્ટ આવી ગયા પછી યોગ્ય સમયે વિધિવત નિવેદન જારી કરાશે.