જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ૧ નવેમ્બરે મેયરો અને મ્યુનિસિપલ કાઉન્સિલરો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના સૌથી મોટા વિરોધ પક્ષ ડેમોક્રેટિક અલાયન્સે મૂકેલા રંગભેદી ચૂંટણી પોસ્ટરોથી ફિનિક્સ શહેરમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યાં ગયા જુલાઈમાં ફાટી નીકળેલી હિંસામાં ડઝનબંધ લોકો માર્યા ગયા હતા જેમાં મોટાભાગના અશ્વેત હતા.
ડેમોક્રેટિક અલાયન્સે ફિનિક્સમાં મૂકેલા પોસ્ટરોમાં લખાયું હતું કે ANC એ તમને રંગભેદી કહ્યા (પરંતુ) DA તમને હીરો કહે છે. રંગભેદનો ઈતિહાસ ધરાવતા દેશમાં આ પોસ્ટરોની રંગભેદી ભાગલાવાદી ગણાવીને દેશભરમાં ટીકા કરાઈ રહી છે. સત્તાધારી પક્ષ ANC એ આ પોસ્ટરોને શરમજનક અને ફાસીવાદી ગણાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના સામાન્ય લોકો પણ આ પોસ્ટરોને વાસ્તવિકતાથી દૂરના અને અશાંતિ ફેલાવનારા ગણાવે છે. જોકે, DA પર તેની કોઈ અસર નથી. પક્ષના અગ્રણી જહોન સ્ટીનહુસૈને જણાવ્યું હતું કે હું તેમને હીરો કહેવા બદલ
ક્યારેય માફી નહીં માગું. તોફાનો દરમિયાન પ્રોપર્ટીનું રક્ષણ કરનારા સ્થાનિક લોકોનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ હીરો જ છે. તેઓ અશ્વેત હોય કે ભારતીય હોય. સરકાર જ્યારે ખસી ગઈ ત્યારે તેમણે કામ કર્યું હતું.