કેપટાઉનઃ મોઝામ્બિકમાં છેલ્લાં ત્રણ વર્ષથી ચાલી રહેલી લોહિયાળ જેહાદી બળવાખોરીનો અંત લાવવા દક્ષિણ આફ્રિકન દેશો ત્યાં દળો મૂકવા માટે સંમત થયા હતા. એક દિવસીય બેઠક બાદ બ્લોકના એક્ઝિક્યુટિવ સેક્રેટરી સ્ટેર્ગોમેના ટેક્સે જણાવ્યું કે સાઉથ આફ્રિકન ડેવલપમેન્ટ કોમ્યુનિટી (SADC)એ કાબો ડેલ્ગાડોમાં હિંસક આતંકવાદી કૃત્યો અને આતંકવાદનો સામનો કરવા મોઝામ્બિકની મદદ માટે SADC સ્ટેન્ડબાય ફોર્સ મૂકવાની મંજૂરી આપી હતી. જોકે, તેમણે સૈનિકોની સંખ્યા જણાવી ન હતી. આ વર્ષે અગાઉ લીક થયેલા ડોક્યુમેન્ટ મુજબ લગભગ ૩,૦૦૦ સૈનિકોને ત્યાં મોકલવાની ભલામણ કરાઈ હતી.બળવાખોરોએ તે પ્રાંતના શહેરો અને ગામો પર કબજો મેળવ્યો છે. હજારો લોકો પોતાના ઘર છોડીને નાસી ગયા છે. ૨૦૧૭માં ફાટી નીકળેલી આ હિંસા પડોશી દેશોમાં પણ ફેલાય તેવી દહેશત છે.