જોહાનિસબર્ગઃ જેલમાં સજા ભોગવી રહેલા ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાના સમર્થનમાં નવેસરથી વિરોધ દેખાવો થઈ શકે તેવા અહેવાલોને પગલે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સીસ (SANDF)ના સૈનિકોએ પીટરમેરિત્ઝબર્ગમાં પૂર્વતૈયારીઓનું નિદર્શન કર્યું હતું.
કેટલાંક જવાનો દોરડા મારફતે SANDF ઓરિક્સ હેલીકોપ્ટરમાંથી ઉતર્યા હતા અને ક્વાઝૂલુ - નાતાલ (KZN) પ્રાંતના પ્રિમિયરની ઓફિસ પાસે ઉતર્યા હતા.
પીટરમેરિત્ઝબર્ગ, ડરબન અને KZNના અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્પેશિયલ ફોર્સની હાજરી જોવાલાયક બની હતી.
ગયા જુલાઈમાં હિંસક દેખાવોથી બે પ્રાંત હચમચી ગયાહતા તે વખતે પૂર્વતૈયારી વિના ઝડપાયેલી સ્ટેટ સિક્યુરિટી એજન્સી આ વખતે સક્રિય બની હતી અને અશાંતિની શક્યતા વિશે નેશનલ જોઈન્ટ ઓપરેશનલ એન્ડ ઈન્ટેલિજન્સ સ્ટ્રક્ચર (NatJOINTS)ને સતર્ક કરી હતી.
NatJOINTS મોટાભાગે આર્મી અને સાઉથ આફ્રિકન પોલીસ સર્વિસનું બનેલું છે અને જુલાઈમાં થયા તેવા સંભવિત હિંસક દેખાવોને ખાળવા માટે તાત્કાલિક કાર્યવાહી કરે છે. જુલાઈના રમખાણો ઝૂમાને જેલભેગા કરાયા પછી તેમના સમર્થકો દ્વારા તેમને છોડી મૂકવાની માગણી કરતા થયા હતા.