જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ ફ્રેડરિક દ ક્લાર્ક માટે સ્ટેટ મેમોરિયલ સર્વિસનું આયોજન કરાયું હતું. ગયા મહિને ૮૫ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. ગયા રવિવારે કેપટાઉનમાં ગ્રૂટ કર્ક ચર્ચ ખાતે યોજાયેલી મેમોરિયલ સર્વિસમાં જે મહાનુભાવોએ દ ક્લાર્કને શ્રદ્ધાંજલિ અર્પી તેમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાનો પણ સમાવેશ થતો હતો.
દેશને રંગભેદથી બહાર લાવવાની પ્રક્રિયા કરાવનારા અને ૧૯૯૩માં નેલ્સન મંડેલા સાથે સંયુક્તપણે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા દ ક્લાર્કે ૨ ફેબ્રુઆરી, ૧૯૯૦ના રોજ મન્ડેલાને ૨૭ વર્ષના જેલવાસમાંથી મુક્ત કરવાની અને શ્વેત લઘુમતી શાસનના અસરકારક અંત માટે બ્લેક લીબરેશન મૂવમેન્ટ્સ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાની જાહેરાત કરીને ઈતિહાસમાં સ્થાન સુનિશ્ચિત કર્યું હતું.
દક્ષિણ આફ્રિકામાં તેઓ વિવાદાસ્પદ હતા. ગયા વર્ષે તેમણે કહ્યું હતું કે રંગભેદને તેઓ માનવતા વિરુદ્ધનો ગુનો માનતા નથી. તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બીજી બાજુ તેમણે જમણેરી આફ્રિકનોમાં રોષ ઉભો કર્યો હતો. તેઓ તેમને દેશદ્રોહી ગણતા હતા.