દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ગુપ્તા બંધુઓ સામે રેડ કોર્નર નોટિસ જારી

Tuesday 08th March 2022 13:00 EST
 
 

જોહાનિસબર્ગઃ ઇન્ટરપોલે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયેલા ભારતીય મૂળના ત્રણ ગુપ્તા બંધુઓ પૈકી બે ભાઇઓ અતુલ અને રાજેશ ગુપ્તા સામે રેડ કોર્નર નોટીસ જારી કરી છે. ગુપ્તા બંધુઓ પર દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની હેરાફેરી કરવાનો આરોપ છે. અતુલ, રાજેશ અને તેમના મોટા ભાઇ અજય પર આરોપ છે કે તેમણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકબ ઝૂમાથી ફાયદો ઉઠાવી સરકારી નિગમોમાં અબજો રેન્ડની હેરાફેરી કરી હતી.
જો કે અતુલ અને રાજેશ ગુપ્તાની પત્નીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી નથી. આ વ્યકિત વોન્ટેડ ભાગેડુ હોવાનું આ નોટીસ તમામ સભ્ય દેશોને સચેત કરે છે. જો કે આ નોટિસ ધરપકડ વોરન્ટની સમકક્ષ નથી. પરંતુ, તેનાથી આરોપીને પ્રત્યર્પિત કરવાની કાર્યવાહીને વેગ મળે છે. દક્ષિણ આફ્રિકાની સરકારે સાત મહિના અગાઉ રેડ નોટિસ માટે અરજી કરી હતી.
દક્ષિણ આફ્રિકાના જસ્ટિસ મિનિસ્ટર રોનાલ્ડ રામોલાએ આ પગલાંને સકારાત્મક ગણાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની નેશનલ પ્રોસિક્યુટિંગ ઓથોરિટી (એનપીએ) છેલ્લાં કેટલાક વર્ષોથી ગુપ્તા બંધુઓના પ્રત્યર્પણના પ્રયત્નો કરી રહી છે. સૂત્રો અનુસાર ગુપ્તા ભાઇઓ 2018માં દક્ષિણ આફ્રિકાથી ભાગીને દુબઇ જતા રહ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter