જોહાનિસબર્ગઃ કોવિડ – ૧૯ મહામારી, તોફાનો અને ભ્રષ્ટાચારથી બેહાલ બની ગયેલા દક્ષિણ આફ્રિકાના અર્થતંત્રને ફરી પાટે ચડતાં ખૂબ મુશ્કેલી પડશે તેમ નાણાં પ્રધાન એનોક ગોડોન્ગ્વાનાએ જણાવ્યું હતું. સરકારનું વાર્ષિક બજેટ નિવેદન રજૂ કરતા તેમણે ઉમેર્યું હતું કેઆ વર્ષે ૨.૧ ટકાના આર્થિક વિકાસ દરનો અંદાજ છે. જે ઘટીને આગામી ત્રણ વર્ષ દરમિયાન સરેરાશ ૧.૮ ટકા રહેશે.
તેમણે કહ્યું કે આપણી આર્થિક રીકવરી અનિયમિત છે અને જોખમ ખૂબ વધારે છે. આપણે સાવચેતી સાથે જ આગળ વધવું પડશે.
કોવિડ – ૧૯ને ફેલવાતો અટકાવવા ગયા વર્ષે અને ૨૦૨૦માં લાગૂ કરાયેલા નિયંત્રણોથી મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ અટકી ગઈ હતી અને લાખો લોકો બેરોજગાર થયા હતા.
ગોડોન્ગ્વાનાએ ઉમેર્યું હતું કે તેમના બજેટનો હેતુ સમાવેશી વિકાસને સમર્થન આપવાની સાથે સાથે લોકોની જીંદગી અને આજીવિકા બચાવવાની વચ્ચે મહત્ત્વનું સંતુલન જાળવવાનો હતો.
દક્ષિણ આફ્રિકામાં ગયા જુલાઈમાં તોફાનો થયા હતા. તેમાં અર્થતંત્રને $૩ બિલિયનનું નુક્સાન થયું હતું.