જોહાનિસબર્ગઃ એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૩,૦૦૦થી વધુ ટીનેજર સગર્ભા બની હોવાની નોંધ કરી હતી. ગૌટેંગ હેલ્થ મેમ્બર ઓફ ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (MEC) નોમાથેમ્બા મોક્ગેથીએ જણાવ્યું હતું કે તેમાં ૯૩૪ છોકરીઓ ૧૦થી ૧૪ વર્ષની હતી તેને લીધે ટીનેજ ગર્ભાધાન વિશે વધુ સવાલો પેદા થાય છે. જ્યારે ૧૦થી ૧૯ વર્ષની વચ્ચેની વયની ૨,૯૭૬ છોકરીઓએ એબોર્શન કરાવવાનો નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું કે દક્ષિણ આફ્રિકામાં ટીનેજ પ્રેગનન્સી ગંભીર સામાજિક અને સ્વાસ્થ્ય સમસ્યા છે. તેનાથી માતા અને બાળક બન્ને સામે સ્વાસ્થ્યનું જોખમ ઉભું થાય છે. તેને લીધે સામાજિક અસરમાં ગરીબી અને વહેલી ઉંમરે સ્કૂલ ડ્રોપઆઉટનું ચક્ર ચાલ્યા કરે છે.
મોક્ગેથીએ ઉમેર્યું કે૧૦થી ૧૪ની વય વચ્ચેની છોકરીઓએ ૯૩૪ બાળકોને જન્મ આપ્યો હતો. જ્યારે ૧૫થી ૧૯ની વચ્ચેની છોકરીઓએ ૧૯,૦૦૦ બાળકોને જન્મ આપ્યો હતો. ડિપાર્ટમેન્ટ પાસે આ બાળકોના પિતાની વિગતો ન હતી પરંતુ, કેટલાંક કિસ્સામાં બળાત્કારને લીધે પ્રેગનન્સી હોવાનું જણાયું હતું.
મોક્ગેથીએ ગૌટેંગના સોશિયલ ડેવલપમેન્ટ, એજ્યુકેશન અને હેલ્થ ડિપાર્ટમેન્ટને ટીનેજ પ્રેગનન્સી અટકાવવાના અભિયાનને વેગ આપવા તાકીદ કરી હતી.