જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ૧૧મી જુલાઈએ એક ચર્ચ પર ગનમેન દ્વારા હુમલો કરાયો હતો. જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. ગનમેને અચાનક જ ચર્ચ પર ગોળીબાર કરી દીધો હતો. જેને પગલે ત્યાં હાજર પૈકી પાંચ લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે.
ઝુરબેકોમમાં આવેલા ઇન્ટરનેશનલ પેંટેકોસ્ટલ હોલીનેસ ચર્ચમાં આ હુમલો કરાયો હતો, જેમાં આશરે ૨૦૦ જેટલા લોકોને બંધક પણ બનાવવામાં આવ્યા હતા. જોકે પોલીસે હેમખેમ આ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવી લીધા હતા.
હુમલાખોરો એક વાહનમાં આવ્યા હતા અને અચાનક આડેધડ ગોળીબાર કરી દીધો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર ચર્ચની બહાર જ ચાર લોકોને એક વાહનમાં ગોળી મારી સળગાવી દેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કારમાંથી સિક્યોરિટી ગાર્ડનો મૃતદેહ મળી આવ્યો છે જેને પણ ગોળી મારવામાં આવી હતી.