જોહાનિસબર્ગઃ પહેલી વખત જોહાનિસબર્ગના નવા મેયરપદે મહિલા મ્ફો ફાલાત્સે ચૂંટાયા હતા. મેયર ફાલાત્સેએ જણાવ્યું હતું કે પાયાની સુવિધાઓને પ્રાથમિકતા આપવાની સાથે જોહાનિસબર્ગને સ્થિરતાની જરૂર છે. નવા મેયરને સર્વત્ર આવકાર મળ્યો હતો. તેઓ વ્યવસાયે મેડિકલ ડોક્ટર છે. લોકોએ કહ્યું કે શહેરનું નેતૃત્વ સક્ષમ વ્યક્તિના હાથમાં આવ્યું હોવાથી તેઓ રાહતની લાગણી અનુભવે છે.
એક વ્યક્તિએ કહ્યું કે નવા મેયર મહિલા છે તેનો તેમને આનંદ છે. તેઓ માને છે કે મહિલાઓ શિસ્તબદ્ધ હોય છે તેથી વધુ મહિલાઓેએ નેતૃત્વ સંભાળવું જોઈએ. તેમણે ઉમેર્યું કે પોતે પુરુષ હોવા છતાં તેઓ પુરુષના શાસનથી ખુશ ન હતા.
એક રહેવાસીએ જણાવ્યું કે મહિલા નેતા હોય તે અમારી સાથે સારો વ્યવહાર કરે તેવું બને. અમે ઈચ્છીએ છીએ કે મહિલાઓ નેતૃત્વ સંભાળે અને દેશનું શાસન કરે. મેયર ફાલાત્સે રસ્તાઓ પર ધ્યાન આપે અને અમારા શહેર સુધી પાણી પહોંચાડે. તેમણે આવવું જ જોઈએ અને અમે કેવી હાલતમાં જીવીએ છીએ તે જોવું જોઈએ.
આ વર્ષે જોહાનિસબર્ગમાં બે મેયરનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં જ મેયર મ્ફો મોએરાનેનું નિધન થયું હતું. તેઓ માત્ર બે મહિના જ મેયરપદે રહ્યા હતા.