જોહાનિસબર્ગઃ 'જેકબ ગેડ્લેયીહ્લેકિસા ઝૂમાને ૧૫ મહિના જેલની સજા સંભળાવવામાં આવે છે.' કેટલીક ટ્રાયલ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખની ગેરહાજરીની પ્રતિક્રિયામાં ૨૯ જૂને દક્ષિણ આફ્રિકાની બંધારણીય કોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ સીસી ખામ્પેગેએ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો હતો. દરમિયાન, ઝૂમાએ તેમને સજા સંભળાવનારા જજોને તેઓ અગાઉ જેમની સામે લડ્યા હતા તેવા શ્વેત લઘુમતી રંગભેદી શાસકો સાથે સરખાવ્યા હતા.
જેકબ ઝૂમા નવ વર્ષ સત્તા પર હતા ત્યારે સરકારી ફંડની કથિત ચોરી બદલ ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહ્યા છે. હવે તેમને કોર્ટની ગંભીર અવમાનના બદલ દોષી ઠેરવાયા છે.
કેપ ટાઉનમાં વિપક્ષી રાજકારણીઓ અને લોકોએ દક્ષિણ આફ્રિકાની ટોચની કોર્ટના ચૂકાદાને તેમની મંજૂરી વ્યક્ત કરી હતી.
વિપક્ષ ડેમોક્રેટિક અલાયન્સ પાર્ટીના વડા જહોન સ્ટીનહુઈસેન ચૂકાદાથી ખૂશ હતા. તેમણે જણાવ્યું કે લોકશાહી સંસ્થાઓમાં લોકો નિષ્ફળ જાય છે ત્યારે બંધારણીય કોર્ટ જ આશરો હોય છે. દક્ષિણ આફ્રિકામાં સ્વતંત્ર ન્યાયતંત્ર અને કાયદાના શાસનને લીધે નાગરિકોને તેમના હક્કોનું રક્ષણ થતું હોવાનો અહેસાસ થાય છે.
લોકલ બિઝનેસમેન લુવુયો વાઈઝમેને પણ તેવી જ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાના પ્રમુખને જેલ જવાનું થઈ શકે તેવું આ પ્રથમ વખત બન્યું છે આ બાબતથી તેઓ ખુશ છે.
જોકે, સામાન્ય પ્રજા અને રાજકીય વર્ગમાં આ ઐતિહાસિક અને અગાઉ કદી ન બનેલી ઘટના અંગે મિશ્ર લાગણીઓ પ્રવર્તતી હતી.