કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ભારતવંશી સ્વાતંત્ર્યસેનાની, દેશના પ્રથમ પાર્લામેન્ટરી સ્પીકર અને નેશનલ એવોર્ડ્સના વિજેતા ડો. ફ્રેની નૌશિર જિનવાલાનું 90 વર્ષની પાકટ વયે અવસાન થયું છે. સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરીલ રામફોસાએ ફ્રેની જિનવાલાનું 12 જાન્યુઆરી, ગુરુવારની સાંજે અવસાન થયાના સમાચારને સમર્થન આપી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સાઉથ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લેનારાં ભારતવંશી ફ્રેની જિનાવાલા ભારતથી દક્ષિણ આફ્રિકામાં સ્થળાંતર કરી ગયેલા જૂજ પારસી પરિવારોમાં એક પરિવારના ગ્રાન્ડચાઈલ્ડ હતાં. તેમનો જન્મ 1932ની 25મી એપ્રિલે થયો હતો. ફ્રેની જિનવાલાના પેરન્ટ્સે તેમને યુકેમાં અભ્યાસ માટે મોકલ્યાં હતાં અને તે પછી તેઓ સાઉથ આફ્રિકા છોડી મોઝામ્બિકમાં સ્થિર થયા હતા. સાઉથ આફ્રિકામાં આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પર પ્રતિબંધ લદાયો અને રંગભેદી સરકારે 1963માં નેલ્સન મન્ડેલા સહિતના નેતાઓની અટકાયત કરી ત્યારે ફ્રેનીએ ટાન્ઝાનિયામાં ANCની સ્થાપનામાં મદદની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અશ્વેત નેતા નેલ્સન મન્ડેલાએ 1994માં દક્ષિણ આફ્રિકામાં લોકશાહી સિસ્ટમમાં સૌપ્રથમ ચૂંટાયેલા પ્રમુખ તરીકે હોદ્દો સંભાળ્યો ત્યારે શિક્ષણશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, કર્મશીલ, જર્નાલિસ્ટ અને રાજનેતા ફ્રેની જિનવાલા દેશના સર્વપ્રથમ પાર્લામેન્ટરી સ્પીકર બન્યાં હતાં. આઝાદીની ચળવળમાં યોગદાન બદલ તેમને 2005માં ઓર્ડર ઓફ લુથુલી ઈન સિલ્વરનું સન્માન એનાયત કરાયું હતું.
સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સિરીલ રામફોસાએ જણાવ્યું હતું કે, ‘ફ્રેની જિનવાલા દેશના નવજાત બંધારણના સિદ્ધાંતો અને અપેક્ષાઓનું પ્રતીક બની રહ્યાં હતાં. આપણા દેશનું પરિવર્તન કરનારા કાર્યકરો અને નેતાઓનું દેશના સાંસદોમાં રુપાંતર કરીને પાર્લામેન્ટની ક્ષમતાના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી હતી. દેશની પાર્લામેન્ટ, સરકાર અને ન્યાયતંત્ર વતી ડો. જિનવાલાના પરિવાર, તેમના ભત્રીજાઓ સાયરસ, સોહરાબ અને ઝવારેહ અને તેમના પરિવારોને અમે દિલસોજી પાઠવીએ છીએ.’