કેપટાઉનઃ દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી આઈકોન, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ડેસમન્ડ ટુટુએ ખૂબ ઓછાં લોકોની હાજરીમાં તેમનો ૯૦મો જન્મદિન ઉજવ્યો હતો. અન્યાય સામે ખૂબ લાંબા સમય સુધી અવાજ ઉઠાવનારા ટુટુ કેપ ટાઉનમાં સેન્ટ જ્યોર્જ કેથેડ્રલમાં સ્પેશિયલ થેન્ક્સ ગીવીંગ સર્વિસમાં હાજર રહ્યા હતા. આ ચર્ચમાં તેમને આફ્રિકાના પ્રથમ અશ્વેત એંગ્લિકન આર્ચબિશપ નીમવામાં આવ્યા હતા.
આ સર્વિસનો પ્રારંભ હેપ્પી બર્થડેની પ્રસ્તુતિ સાથે થયો હતો.
ટુટુ સ્વસ્થ દેખાતા હતા અને બ્લેક સૂટ નીચે તેમની ખાસ ઓળખ સમો પર્પલ શર્ટ
અને વ્હાઈટ કોલર પહેર્યો હતો. વ્હીલચેર પર બેઠાં બેઠાં તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેઓ તેમના ૬૬ વર્ષીય પત્નિ લીહની બાજુમાં બેઠાં હતા.
રંગભેદ વિરોધી સહકાર્યકર અને સર્વિસનું નેતૃત્વ કરનારા એલન બોએસાકે જણાવ્યું, 'આજનો દિવસ ખૂબ સારો છે. વર્ષોના ઘણાં પડકારો વચ્ચે પણ આપ અમારી સાથે રહ્યા છો. નેવુ વર્ષ...'
પ્રેસિડેન્ટ સીરિલ રામાફોસા, અમેરિકાના પ્રમુખ જો બાઈડન સહિત વિવિધ દેશોના પ્રેસિડેન્ટ્સ, વ્યક્તિઓ અને સંસ્થાઓએ ટુટુને જન્મદિનની શુભકામના પાઠવી હતી.