જોહાનિસબર્ગઃ પ્રેસિડેન્ટ સિરીલ રામાફોસાએ તાજેતરના તોફાનો અને ભ્રષ્ટાચારના આરોપો બદલ તેમના કેટલાંક મિનિસ્ટર્સને છૂટાં કરી દીધા હતા. તોફાનોમાં ધીમી કાર્યવાહીને લીધે કેટલાંક દિવસો સુધી લૂંટફાટ ચાલતી રહી હતી. તે બદલ રામાફોસાની સરકારની વ્યાપક ટીકા થઈ હતી.
તોફાનો પૂર્વયોજિત વિદ્રોહ હોવાના પ્રેસિડેન્ટના તારણનું જાહેરમાં ખંડન કરનારા સંરક્ષણ પ્રધાન નોસિવિવે માપીસા - ન્કાકુલાને રામાફોસાએ તેમના હોદ્દેથી દૂર કર્યા હતા. રામાફોસાએ ભ્રષ્ટાચારના કૌભાંડમાં સંડોવાયેલા હેલ્થ મિનિસ્ટર ઝ્વેલી મ્ખીઝેને પણ હોદ્દેથી બરતરફ કર્યા હતા. તેમના સ્થાને તેમણે પૂર્વ ડેપ્યૂટી મિનિસ્ટર જો ફાહલાને મૂક્યા હતા. ટીટો મ્બોવેનીના સ્થાને એનોક ગોડોન્ગવાનાને ફાઈનાન્સ મિનિસ્ટર બનાવાયા હતા.