કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના ક્લેર્સડોર્પમાં ત્શેપોન્ગ હોસ્પિટલમાં બુધવાર 19 એપ્રિલની સવારે ચાર સશસ્ત્ર લોકો બોર્ડરૂમમાં ઘૂસી ગયા હતા અને ચર્ચા કરી રહેલા ડોક્ટર્સ સામે શસ્ત્રો ધરી નાણા, ફોન્સ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી હતી. નોર્થ વેસ્ટ હેલ્થ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય માડોડા સામ્બાથા પણ સ્માઈલ વીકના લોન્ચિંગ માટે હોસ્પિટલમાં હાજર હતા.
સામ્બાથાએ હોસ્પિટલની સિક્યોરિટી મુદ્દે પ્રશ્ન ઉઠાવ્યો હતો તેમજ હેલ્થ ફેસિલિટીઝની સલામતી બાબતે ગેન્ગ્સને નાબૂદ કરવા કાયદા અમલપાલન એજન્સીઓને હાકલ કરી હતી. આ સશસ્ત્ર લૂંટથી હુમલાખોરો હોસ્પિટલમાં ગન્સ સાથે કેવી રીતે ઘૂસી શક્યા તેના વિશે પણ પશ્નો ઉઠ્યા છે કારણકે હોસ્પિટલમાં પ્રવેશતા દરેક લોકોની કડક ચકાસણી થતી હોવાનો દાવો સિક્યોરિટી કંપનીએ કર્યો હતો. સદભાગ્યે હોસ્પિટલમાં એક હુમલાખોરને ઝડપી લેવાયો હતો. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિયેશને આ ઘટનાને વખોડી કામના સ્થળે ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની સલામતી વિશે ચિંતા વ્યક્ત કરી હતી.