દક્ષિણ આફ્રિકામાં કાયદો અને વ્યવસ્થા ખસ્તાહાલ, 3 મહિનામાં 7000 કરતાં વધુ હત્યા

13,000 મહિલાઓ પર જાતીય હુમલાના કેસ, 550 બાળકોની હત્યા નોંધાઇ

Wednesday 30th November 2022 05:34 EST
 
 

લંડન

દક્ષિણ આફ્રિકામાં કાયદો અને વ્યવસ્થા બદતર હાલતમાં પહોંચી ગયાં છે. પોલીસે જારી કરેલા આંકડા અનુસાર છેલ્લા 3 મહિનામાં હત્યાના 7000 કરતાં વધુ કેસ નોંધાયા છે. 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર 2022 સુધીના આંકડા અનુસાર આ સમયગાળામાં હત્યાના દરમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. હત્યા કરાયેલા લોકોમાં 1000 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત 13000 કરતાં વધુ મહિલાઓ પર જાતીય હુમલા કરી ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. 1277 મહિલાઓની હત્યાનો પ્રયાસ કરાયો હતો.

પોલીસ મિનિસ્ટર ભેકી સેલેએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલાઓ વિરુદ્ધના અપરાધમાં થઇ રહેલી વૃદ્ધિ ચિંતાજનક અને અસ્વીકાર્ય છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષના આજ સમયગાળાની સરખામણીમાં આ વર્ષે અપહરણના કેસ બમણા થયાં છે. જુલાઇથી સપ્ટેમ્બરમાં અપહરણના 4000 કરતાં વધુ કેસ નોંધાયા હતા. સમગ્ર દેશમાં મહિલાઓ અને બાળકો પર બળાત્કારના 11 ટકા કરતા વધુ કેસ નોંધાયા હતાં. હાલ દેશમાં બળાત્કારના 10000 કેસની તપાસ ચાલી રહી છે. કાર ચોરીના બનાવો 24 ટકા વધીને 6000ને પાર કરી ગયાં હતાં. એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે 550 કરતાં વધુ બાળકોની હત્યા કરાઇ હતી.

સેલેએ જણાવ્યું હતું કે, અમે પોલીસ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી રહ્યાં છીએ. 10,000 નવા પોલીસ અધિકારીઓ ક્રિસમસ પહેલાં પોલીસ ફોર્સમાં સામેલ કરાશે. વિપક્ષના સાંસદ એન્ડ્રુ વ્હિટફિલ્ડે જણાવ્યું હતું કે, દેશભરમાં અપરાધોએ માઝા મૂકી છે. કરોડો લોકો ભયના ઓથાર હેઠળ જિંદગી જીવી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter