જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં થોડા અઠવાડિયા પહેલા ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યાની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીના કોરોના વાઈરસના નવા સૌથી વધુ દૈનિક કેસ બુધવારે નોંધાયા હતા.દેશમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે ત્રીજી લહેર આવી અને ૩ જુલાઈએ સૌથી વધુ ૨૬,૪૮૫ કેસ નોંધાયા હતા તેને પણ વટાવતા ૨૬,૯૭૬ કેસ નોંધાયા હતા. દક્ષિણ આફ્રિકાના કેસોના અગાઉના વિક્રમના દિવસે કોવિડને લીધે ૧૦૮ મૃત્યુ નોંધાયા હતા જ્યારે બુધવારે ૫૪ મૃત્યુ નોધાયા હતા
. સૌથી વધુ ઝડપથી ફેલાતો ઓમિક્રોન વેરિઅન્ટ ગયા મહિને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો અને આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતાં વધુ ચેપી અને ઝડપથી ફેલાતો હોવાની આશંકાથી દુનિયાભરમાં તેને લીધે ભય ફેલાયો હતો.
દુનિયાના ઘણાં દેશોમાં ઓમિક્રોનના કેસો મળ્યા હોવા છતાં તેનાથી ગંભીર બીમારી થાય છે કે કેમ અથવા તેના પર વેકિસનની કેટલી અસર થતી નથી તે હજુ જાણી શકાયું નથી. ડેટા મુજબ વેક્સિન હજુ સુધી ઓમિક્રોન સામે રક્ષણ આપે છે.
દક્ષિણ આફ્રિકન સરકારે લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરીને સંક્રમણની આ લહેર સામે પ્રતિભાવ આપ્યો હતો. ગયા અઠવાડિયે સરકારે ૧૮થી ઉપરની વયના તમામ નાગરિકો માટે બુસ્ટર શોટ્સને મંજૂરી આપી હતી. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં વસતિના ૩૩ ટકા એટલે કે ૧૭ મિલિયન લોકોએ વેક્સિન લીધે છે.