જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના બંધ પડેલા એક રેલ્વે સ્ટેશનનનું વેક્સિનેશન સાઈટમાં રૂપાતરણ કરાયું છે. જોહાનિસબર્ગથી ૩૦ માઈલના અંતરે આવેલા સ્પ્રિંગ્સ ટાઉન સ્ટેશને આ સફેદ ટ્રેન – ટ્રાન્સવેકો - આવે છે અને પ્લેટફોર્મ પર રહેલા લોકોને એક પછી એક ટ્રેનમાં બોલાવીને તેમનું વેક્સિનેશન કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્તારોના લોકોને વેક્સિન આપવા તેમજ મંદ પડેલી વેક્સિનેશનની કાર્યવાહીને ઝડપી બનાવવા આ ટ્રેન શરૂ કરાઈ છે. સ્પ્રિંગ્સમાં બે સપ્તાહના રોકાણ પછી આ ટ્રેન ઈસ્ટર્ન કેપ પ્રાંતમાં ત્રણ મહિના માટે જશે.
ટ્રેનના મેનેજર પાબાલો મોક્વાનાએ એએફપીને જણાવ્યું હતું કે તેઓ એક પ્રયાસ કરવા માગે છે અને ટૂંકા ગાળામાં શક્ય તેટલા વધુ લોકોને વેક્સિન આપવા અને ગ્રામીણ વિસ્તારો સુધી વેક્સિન લાવવા માગે છે.
સરકારની લોજીસ્ટિક કંપની ટ્રાન્સનેટની નાણાંકીય સહાયથી વેક્સિનેશન સેન્ટરમાં ફેરવાયેલા ટ્રેનના ખાસ કોચમાં દરરોજ ૬૦૦ લોકોનું વેક્સિનેશન કરવાની ક્ષમતા છે. ટ્રેનના અન્ય આઠ કોચનો ઉપયોગ આવાસ, સ્ટોરેજ, સ્ટાફ ડાઈનિંગ, ઈલેક્ટ્રિસિટી જનરેશન અને અન્ય જરૂરી કામગીરી માટે થાય છે. જોકે, ૨૩ ઓગસ્ટે ટ્રાન્સવેકો ટ્રેનની સેવા શરૂ થઈ ત્યારથી દરરોજ ૧૦૦થી ઓછાં લોકો વેક્સિન લેવા પહોંચ્યા હતા. અપૂરતી જાગૃતિ અને વેક્સિન લેવા વિશે અવઢવને લીધે ઓછા લોકો વેકસિનેશન માટે આવે છે.