જ્હોનિસબર્ગ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ ખાદ્યાન્ન સંકટનો સામનો કરી રહ્યું છે. વિશ્વના મોટાભાગના દેશો ઊંચા ફુગાવાની આગમાં દાઝી રહ્યાં છે. આફ્રિકાના ઘણા દેશોની જનતા મોંઘવારીની ચક્કીમાં પિસાઇ રહી છે. ખંડના સૌથી સમૃદ્ધ ગણાતા દેશ દક્ષિણ આફ્રિકામાં પણ ખાદ્યપદાર્થોની કાળઝાળ કિંમતોના કારણે દેશમાં ખાદ્ય સુરક્ષાની કટોકટી ઘેરી બની રહી છે. જેના પગલે સામાજિક અસ્થિરતા અને અંધાધૂંધી ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
દેશમાં ગરીબ સમુદાયોમાં પ્રવર્તતા ભૂખમરા પર કામ કરતા સંગઠન ફૂડ ફોરવર્ડ સાઉથ આફ્રિકા કહે છે કે દર મહિને 3 કરોડ લોકો ખાદ્ય અસુરક્ષામા ધકેલાઇ રહ્યાં છે. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર ડુ પ્લેસિસ કહે છે કે, દક્ષિણ આફ્રિકામાં અમે ખાદ્ય સુરક્ષાની કટોકટીનો સામનો કરી રહ્યાં છીએ. લોકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. ઇસ્ટર્ન કેપમા ભૂખમરાના કારણે 12 બાળકોનાં મોત થયાંની ઘટના સામે આવી છે. અમને ભય છે કે આ પ્રકારની વધુ ઘટનાઓ નોંધાઇ શકે છે. ખાદ્ય અસુરક્ષાના કારણે ગુનાખોરીમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં જુલાઇ 2021માં ફાટી નીકળેલા રમખાણો જેવાં રોટી રમખાણો ફાટી નીકળે તેવી સંભાવનાઓ તોળાઇ રહી છે. જો સરકાર ખાદ્ય સુરક્ષા પર ધ્યાન નહીં આપે તો દેશ માટે કપરો સમય આવી શકે છે.
દેશમાં ફુગાવાનો દર 13 વર્ષની ઊંચી સપાટી પર પહોંચ્યો
ઇંધણમાં ભાવવધારાના કારણે માલ પરિવહન અને ખાદ્યપદાર્થોની કિંમતો વધવાના કારણે ફુગાવાનો દર છેલ્લા 13 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયો છે. તાજેતરમાં હાથ ધરાયેલા હાઉસહોલ્ડ એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ અનુસાર પ્રતિ પરિવાર ખાદ્યપદાર્થ પાછળ થતો ખર્ચ મહિનાના 275 અમેરિકન ડોલર પર પહોંચી ગયો છે. કૂકિંગ ઓઇલ, મેઇઝ મીલ અને કેક ફલોરની કિંમતો આભને આંબી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં ફૂડ બાસ્કેટમાં સામેલ ચીજવસ્તુઓની કિંમતો બમણી બની છે. મેઇઝ મીલમાં 11 ટકા, આટામાં 24 ટકા અને કૂકિંગ ઓઇલની કિંમતમાં 69 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બ્રાઉન બ્રેડની કિંમત પણ 15 ટકા વધી ચૂકી છે. ગ્રાહકો કહે છે કે અમે મોઘવારીનો માર વધુ ઝીલી શકીએ તેમ નથી. દુકાનદારો બેફામ કિંમતો વસૂલી રહ્યાં છે. કોરોના મહામારીના કારણે મોઘવારીની સ્થિતિ બદતર બની છે.