જોહાનિસબર્ગઃ કોરોના મહામારીના નિયંત્રણો ઉઠાવી લેવાયા પછી દક્ષિણ આફ્રિકામાં ગેંડાની ગેરકાયદેસર હત્યાનું પ્રમાણ વધી ગયું છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં દક્ષિણ આફ્રિકામાં લગભગ ૨૪૯ ગેંડાની હત્યા કરાઈ હતી. ૨૦૨૦ના તે સમયગાળાની સરખામણીએ ૮૩ વધુ ગેંડાની હત્યા કરાઈ હતી. ક્રૂગર નેશનલ પાર્કમાં સૌથી વધુ ૧૩૨ ગેંડાની હત્યા થઈ હતી.
વન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું હતું કે કોરોના નિયંત્રણો હળવા થતાં શિકારીઓની અવરજવર સરળ થતા તેમાં આંશિક વધારો થયો હતો.
દુનિયાના ૮૦ ટકા ગેંડા દક્ષિણ આફ્રિકામાં વસે છે. પરંતુ, એશિયામાં પરંપરાગત દવાઓ બનાવવામાં તેમના શિંગડાનો ઉપયોગ થતો હોવાથી શિકારીઓ દ્વારા આ પ્રાણીઓની હત્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પાવડર સ્વરૂપે વેચાતા ગેંડાના શિંગડામાં મોટાભાગે કેરાટીન નામનો પદાર્થ હોય છે.
મિનિસ્ટ્રીએ જણાવ્યું કે ગેંડાના રક્ષણમાં મહત્વની કામગીરી કરતા ગેંડા માટેના ખાનગી રિઝર્વ પર વધી ગયેલા દબાણનું તે સતત નિરીક્ષણ કરી રહ્યું છે.
શિંગડાનો વેપાર ખૂબ લાભદાયક છે અને છેલ્લાં એક દાયકામાં દક્ષિણ આફ્રિકામાં હજારો ગેંડાનો શિકાર થયો હતો.