જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સીરિલ રામાફોસાએ એક નવી વેક્સિન મેન્યુફેક્ચરિંગ ફેસિલીટીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ફેસિલીટી કોવિડ -૧૯ સહિતના રોગો માટે દેશની પોતાની વેક્સિન બનાવવાની ક્ષમતાને વેગ આપશે. કેપ ટાઉન સ્થિત ફેક્ટરીના ઉદઘાટનમાં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા અને અમેરિકા સ્થિત મલ્ટિનેશનલ બાયોટેકનોલોજી કંપની નેન્ટવર્ક્સના સ્થાપક પેટ્રિક સૂન-શિયોંગ પણ જોડાયા હતા. આ કંપનીએ આ સુવિધા શરૂ કરવા લગભગ ૨૦૦ મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
આ પ્રસંગે રામાફોસાએ જણાવ્યું હતું કે મહામારીને લીધે દેશમાં તેમજ દેશો વચ્ચે ગુણવત્તાયુક્ત હેલ્થકેર, દવાઓ, નિદાન અને વેક્સિન્સ મેળવવામાં અસ્તિત્વમાં રહેલી વિશાળ અસમાનતાઓ જાહેર થઈ હતી. આફ્રિકા પોતાની વેક્સિન બનાવવા માટે ગાઢ વૈજ્ઞાનિક જ્ઞાન, કુશળતા અને ક્ષમતા સાથે કોવિડ - ૧૯ ને પ્રતિસાદ આપી રહ્યું છે.નવા પ્લાન્ટનો ઉદ્દેશ ૨૦૨૫ સુધીમાં વાર્ષિક એક બિલિયન વેક્સિનના ઉત્પાદનના લક્ષ્ય સુધી પહોંચવાનો છે. પ્રમુખ રામાફોસાએ ટ્વીટ કરીને આરોગ્ય ક્ષેત્રે આફ્રિકનોની સમસ્યાઓના નિવારણના હેતુસર સમાન હસ્તક્ષેપ માટે દુનિયાને અનુરોધ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાની આસ્પેન ફાર્માકેર અગાઉ પોર્ટ એલિઝાબેથ તરીકે જાણીતા ક્વેબર્થાની ફેક્ટરીમાં J&J કોવિડ – ૧૯ વેક્સિનનું એસેમ્બલીંગ કરે છે. આસ્પેનની ફેક્ટરીમાં વેક્સિનના ઈમ્પોર્ટેડ ઘટકોનું મિશ્રણ કરાય છે, તેને વાયલમાં મૂકવામાં આવે છે અને ડોઝ તૈયાર કરાય છે. આ પ્રક્રિયા ફીલ એન્ડ ફિનીશ તરીકે જાણીતી છે.