મહાત્મા ગાંધીજીના પૌત્રી ઈલા ગાંધીએ કહ્યું હતું કે હાલની હિંસાની ઘટનાઓ બાદ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના લોકો સામે ખતરો રહેલો છે. જોકે, સરકાર તેનો મુકાબલો કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે. સાતમી જુલાઈએ પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ જુમાની કેદના વિરોધમાં બે પ્રાંતમાં લૂંટફાટ અને આગજનીની ઘટનાઓ સામે આવી હતી.
જુમાને કોર્ટની અવમાનના કેસમાં સજા અપાઈ હતી. ગત મહિને દેશના વિભિન્ન વિસ્તારોમાં થયેલી હિંસાઓના અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે હિંસામાં સૌથી વધુ નુકસાન ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી લોકોને થયું છે. જ્યારે કેટલાક અહેવાલો અનુસાર હિંસામાં જે ૩૩૦ લોકો માર્યા ગયા તેમાં ઘણા ભારતીય મૂળના લોકો પણ સામેલ છે. જોકે, ઈલા ગાંધીએ કહ્યું હતું કે આ બિલ્કુલ સત્ય નથી. નિશ્ચિત રૂપે અનેક ભારતીય વેપારીઓ હતા જેને લૂંટી લેવાયા હતા. જોકે અમને જ્યાં સુધી જાણકારી છે ત્યાં સુધી કોઈ જ ભારતીય પર હુમલો નથી કરવામાં આવ્યો કે મારપીટ નથી કરાઈ. જે લોકો માર્યા ગયા છે તેમાંથી બે કે ત્રણ લોકો જ ભારતીય મૂળના છે. અમે એ વાતનો સ્વીકાર કરીએ છીએ કે ભારતીય મૂળના લોકો પર દક્ષિણ આફ્રિકામાં ખતરો રહેલો છે.