કેપટાઉનઃ કથિત રેસિઝમ સામે દેખાવો કરી રહેલા વિપક્ષી કાર્યકરો પર દક્ષિણ આફ્રિકન પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા. કેપટાઉનની એક સ્કૂલમાં કથિત વ્હાઈટ્સ - ઓન્લી યર – એન્ડ ડાન્સ પાર્ટી પછી આ દેખાવો યોજાયા હતા. સ્કૂલ નજક એકઠા થયેલા ઉદામવાદી ડાબેરી ઈકોનોમિક ફ્રીડમ ફાઈટર્સ (EFF) ના લગભગ ૨,૦૦૦ સભ્યોને સ્કૂલમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસે ટીયરગેસના શેલ છોડ્યા હતા અને પાણીનો મારો કર્યો હતો.
અલ જઝીરાના પત્રકાર ફામીદા મિલરે જણાવ્યું હતું કે દેખાવકારો વિખેરાઈ ગયા હતા અને થોડેક દૂર ફરી એકત્ર થયા હતા. તેઓ તદ્દન શાંત હતા અને પોલીસે તેમની સામે કડક હાથે કામ લીધું હોવાનો દેખાવકારોએ આક્ષેપ કર્યો હતો.
પાછળથી પોલીસે દેખાવોના આયોજકોને જણાવ્યું કે માત્ર ૧૦૦ લોકોને જ સ્કૂલ સુધીની રેલી માટે મંજૂરી છે.
૧૭ ઓક્ટોબરે કેપટાઉનની પૂર્વે વીનરી ફાર્મમાં યોજાયેલી બ્રેકનફેલ હાઈ સ્કૂલની પાર્ટીમાં કથિત રંગભેદના વિરોધમાં થયેલા દેખાવોની શ્રેણીમાં આ દેખાવો હતો. તે પાર્ટી સત્તાવાર સમારંભ હોવાનો સ્કૂલે ઈન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે પેરેન્ટ્સ દ્વારા ખાનગી રીતે આ પાર્ટી યોજાઈ હતી. થોડા દિવસ પછી EFFના
સભ્યોએ સ્કૂલ સુધીની રેલી યોજવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, કેટલાંક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સે તેમને અટકાવ્યા હતા. તેના લીધે તેમની વચ્ચે ઘર્ષણ થયું હતું.