લંડન
દક્ષિણ આફ્રિકામાં 21મી સદીના સૌથી મોટા વૈજ્ઞાનિક પ્રોજેક્ટ પૈકીના એકનો પ્રારંભ કરાયો છે. સ્ક્વેર કિલોમીટર એરે નામનો આ વિશ્વનો સૌથી મોટો રેડિયો ટેલિસ્કોપ પ્રોજેક્ટ 2028 સુધીમાં પૂર્ણ કરાશે. બ્રિટનમાં આ પ્રોજેક્ટનું વડુ મથક રહેશે જ્યારે આ પ્રોજેક્ટ દક્ષિણ આફ્રિકાથી ઓસ્ટ્રેલિયા સુધી પથરાયેલો રહેશે. આ પ્રોજેક્ટ દ્વારા એસ્ટ્રોફિઝિક્સના રહસ્યો ઉકેલવાના પ્રયાસ કરાશે. તેના દ્વારા આઇનસ્ટાઇનની થિયરીઓનો અભ્યાસ કરાશે અને પરગ્રહવાસીઓની શોધ પણ કરાશે. દક્ષિણ આફ્રિકાની ઉત્તરમાં આવેલા કારૂ અને ઓસ્ટ્રેલિયાના મર્ચિસન ખાતે આયોજિત બેઠકોમાં આ પ્રોજેક્ટનું નેતૃત્વ આઠ દેશોના વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે.
સ્ક્વેર કિલોમીટર એરે ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ પ્રોફેસર ફિલ ડાયમંડે જણાવ્યું હતું કે, અમારી કલ્પના વાસ્તવિક બની રહી છે. 30 વર્ષથી અમે આ પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છીએ. પહેલા 10 વર્ષમાં આ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરાઇ હતી. બીજા 10 વર્ષ ટેકનોલોજી ડેવલપમેન્ટ પાછળ ખર્ચાયાં હતાં અને છેલ્લા 10 વર્ષણાં પ્રોજેક્ટને આખરી સ્વરૂપ અપાયું હતું.
200 પેરાબોલિક એન્ટેના અને 1,31,000 ડાયપોલ એન્ટેના ધરાવતું આ ટેલિસ્કોપ સેંકડો હજાર કિલોમીટરને પોતાના દાયરામાં આવરી લેશે. આ ટેલિસ્કોપ અબજો પ્રકાશવર્ષ દૂરથી આવતા રેડિયો સિગ્નલ ઝડપી લેવામાં સક્ષમ હશે. ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષના મૂળભૂત તત્વ એવા હાઇડ્રોજનનો ઇતિહાસ ખંગાળવામાં આવશે.