જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વીય ક્વાઝુલુ -નાતાલ પ્રોવિન્સના પીટરમેરિટ્ઝબર્ગના ઈમ્બાલી ટાઉનશિપમાં શુક્રવાર, 20 એપ્રિલની વહેલી સવારે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં 13 વર્ષના તરુણ અને સાત મહિલા સહિત એક જ પરિવારના 10 લોકોનાં મોત થયા હતા. કેટલાક લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. પોલીસ સાથેના સામ-સામા ફાયરિંગમાં મુખ્ય હુમલાખોર ઠાર થયો હતો. જોકે, સામૂહિક હત્યાનું કારણ જાહેર થયું નથી.
દક્ષિણ આફ્રિકન પોલીસના જણાવ્યા મુજબ પ્રમાણે ચાર આરોપીઓએ ગોળીબાર કર્યો હતો જેમાં એક જ પરિવારના 10 લોકો માર્યા ગયા હતા. પીડિત પરિવારને બેરહેમીથી નિશાન બનાવાયો હતો. ચાર શકમંદોમાંથી મુખ્ય હુમલાખોર અને તે વિસ્તારનો કુખ્યાત ગુનેગાર પોલીસ સાથે અથડામણમાં માર્યો ગયો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ફરાર આરોપીની તલાશ હાથ ધરાઈ છે. પોલીસના માનવા મુજબ આ પરિવાર સાથે જૂની દુશ્મનાવટના લીધે સામૂહિક ગોળીબાર કરાયો હશે.
વિશ્વમાં સૌથી વધુ હત્યાદર ધરાવતા દક્ષિણ આફ્રિકામાં સામૂહિક ગોળીબાર પ્રમાણમાં સામાન્ય છે. 60 મિલિયનની વસ્તી સાથેના દેશમાં દર વર્ષે આશરે 20,000 હત્યા થાય છે. જાન્યુઆરીમાં દક્ષિણતટના ક્વેબેરહા સિટીમાં બર્થડે પાર્ટીમાં આઠ વ્યક્તિને ઠાર મરાઈ હતી. ગયા વર્ષે જોહાનિસબર્ગના સોવેટો ટાઉનશિપમાં બાર ખાતે સશસ્ત્ર હુમલાખોરોએ ગ્રાહકો પર ગોળીબાર કરીને 16 લોકોને મારી નાખ્યા હતા. આ જ દિવસે પીટરમેરિટ્ઝબર્ગના બારમાં 12 લોકો પર ગોળીબાર કરાયા હતા જેમાંથી ચાર વ્યક્તિના મોત થયા હતા.