જોહાનિસબર્ગઃ ANCના વર્ચસ્વની દહેશત વચ્ચે દક્ષિણ આફ્રિકામાં સ્થાનિક ચૂંટણી માટે ૧ નવેમ્બરે મતદાન યોજાયું હતું. ૪૦ મિલિયન લોકોની વસતિમાં ૨૬ મિલિયન લોકો મતદાન આપવા માટે લાયક હતા. તેમાંથી ૧.૧.મિલિયન મતદારોએ ૩૦ અને ૩૧ ઓક્ટોબરે મતદાન કર્યું હતું. જોકે, મતદાન પ્રમાણમાં ઓછું રહ્યું હતું. સર્વે મુજબ આ વખતે લોકો ANCની વિરુદ્ધમાં મતદાન કરશે તેવું લાગે છે.
પ્રેસિડેન્ટ સીરિલ રામાફોસાએ સોવેટોમાં મતદાન કર્યું હતું. તેમણે શાંતિપૂર્વક અને સુરક્ષિત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે સાઉથ આફ્રિકન નેશનલ ડિફેન્સ ફોર્સના ૧૦,૦૦૦ સભ્યોને ૩૦ ઓક્ટોબરથી ૩ નવેમ્બર સુધી ફરજ પર મૂક્યા હતા.
દક્ષિણ આફ્રિકામાં દર પાંચ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાય છે. તેના વિજેતા કાઉન્સિલની રચના કરે છે, જે પાણી, વેસ્ટ મેનેજમેન્ટ અને સેનિટેશન જેવી આવશ્યક સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર હોય છે. દરરોજ લગભગ છ કલાક સુધી રહેતા વીજકાપથી લોકોમાં રોષ છે અને ઘણાં વિપક્ષોએ તે મુદ્દાનો લાભ લઈને તે ચૂંટાશે તો આ સમસ્યાનો અંત લાવવાનું વચન આપ્યું હતું.
પુરુષ મતદાર ઝિન્યેન્યે મિથેમ્બુએ જણાવ્યું હતું કે કાઉન્સિલરો બદલાય તેવું તે ઈચ્છે છે. ઘણાં લોકો વર્ષોથી કાઉન્સિલર છે પરંતુ, કોઈ ફેર પડતો નથી. તેઓ કશું કરતા નથી.
બીજા મતદાર બેન ન્કોસીએ ફરિયાદ કરી કે વીજળીની અને આ સોસાયટીમાં રહેવાની સમસ્યા છે. બીજી રોજગારીની અને ત્રીજી સમસ્યા ભ્રષ્ટાચારની છે.
ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જેકબ ઝૂમા સહિત ANCના કેટલાંક ઉચ્ચ હોદ્દેદારો દ્વારા થતો ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા પૈકી એક છે. જ્યારે બેરોજગારીનો હાલનો દર ૩૪.૪ ટકા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૪થી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં ANCનું વર્ચસ્વ છે