મોગાદિશુઃ દક્ષિણ સોમાલિયાની એક લોકપ્રિય હોટલ મેદિનામાં અલ શબાબમાં આતંકીઓએ ૧૩મીએ કરેલા આત્મઘાતી હુમલા અને ગોળીબારમાં વિદેશીઓ સહિત ૨૬ લોકોનાં મોત થયા છે. સત્તાએ જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બર વિસ્ફોટકો ભરેલું વાહન લઇને કિસમાયો શહેરની મેદિના હોટલમાં ઘૂસી ગયો હતો. ત્યારબાદ ભારે દારૂગોળો અને શસ્ત્રો ધરાવતા બંદૂકધારીઓએ હોટેલમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
હુમલામાં મૃત્યુ પામેલા ૨૬ લોકોમાં કેનિયાના ત્રણ, તાન્ઝાનિયાના ત્રણ, અમેરિકાના બે, બ્રિટનના એક અને કેનેડાના એક નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલામાં ચીનના બે નાગરિકો પણ ઘાયલ થયા છે. ચાર મૃતકો બેવડી નાગરિકતા ધરાવતા હતાં. સુરક્ષા અધિકારી મોહમદ અબ્દિવેલીએ જણાવ્યું હતું કે સુરક્ષાદળોએ શક્ય તેટલી ઝડપથી સ્થિતિ કાબૂમાં લઇ લીધી હતી અને છેલ્લા આતંકીને પણ ઠાર મારવામાં આવ્યો હતો.
હુમલા પછી જોકે હોટલમાં ઠેર ઠેર મૃતકો અને ઘાયલો નજરે પડતા હતાં. જેથી લોકોમાં ગભરાટ દેખાતો હતો. આ હુમલામાં ચાર બંદૂકધારીઓ સામેલ હતાં જેમાં એક આતંકીએ સોમાલિયન પોલીસનો યુનિફોર્મ પહેર્યો હતો.
અલકાયદા સાથે સંકળાયેલા અલ શબાબ આતંકી જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. મૃતકોમાં મોટા ભાગે જાણીતા સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ અને સ્થાનિક પત્રકારો હતાં. હુમલાના સાક્ષી અહેમદ ફરહાને જણાવ્યું હતું કે સ્થાનિક પત્રકાર મોહમદ સહલના પરિવારજનોએ તેમના મોતના અહેવાલને સમર્થન આપ્યું છે.