દાડાબ-કેન્યાઃ દાયકાઓમાં સૌથી ખરાબ દુકાળનો અનુભવ કરી રહેલા સોમાલિયાના નાગરિકો ચાલીને ભારે ગરમી અને ધૂળનો સામનો કરી સરહદપાર કેન્યામાં આવેલા વિશ્વની સૌથી મોટી શરણાર્થી છાવણી દાડાબ રેફ્યુજી કેમ્પમાં પહોંચે છે છતાં, તેમની હાલતમાં કોઈ સુધારો જણાતો નથી કારણકે તેમણે અહીં કોલેરા અને કુપોષણના જોખમનો સામનો કરવો પડે છે.
સોમાલિયામાં વરસાદની સતત પાંચ સીઝન નિષ્ફળ જવાથી સૌથી ખરાબ દુકાળ મધ્યે ચીજવસ્તુઓના આસમાને જતા ભાવથી ત્રસ્ત સોમાલી નાગરિકોને કેન્યાના દાડાબ રેફ્યુજી કેમ્પમાં પણ રાહત જણાતી નથી. વિશ્વના સૌથી મોટા નિર્વાસિત કેમ્પ દાડાબમાં 300,000 થી વધુ રેફ્યુજીસ આશરો લઈ રહ્યા છે જેમાં સોમાલી નાગરિકોની સંખ્યા આશરે 100,000ની હોવાનું યુનાઈટેડ નેશન્સનું કહેવું છે. આ વર્ષની શરૂઆતમાં ઓછામાં ઓછાં 6,000 સોમાલી નાગરિકો ભૂખના માર્યા દાડાબ કેમ્પમાં પહોંચ્યા હતા. જોકે યુએન અધિકારીઓના કહેવા મુજબ પાંચ ગણા લોકોની નોંધણી હજુ કરાઈ નથી. સેંકડો લોકો આવતા જાય છે અને આ વર્ષના અંત સુધીમાં વધુ 90,000 શરણાર્થીઓ છાવણીમિાં આવે તેવી ગણતરી છે.
સોમાલિયામાં આંતરવિગ્રહ શરૂ થયા પછી 1991થી નાગરિકોએ હિજરત શરૂ કરી દીધી હતી. ગત બે વર્ષમાં દસ લાખ લોકો સોમાલિયાથી સ્થળાંતર કરી ગયા છે. રેફ્યુજી સહાય એજન્સી ઈન્ટરનેશનલ રેસ્ક્યુ કમિટી (IRC) સંચાલિત છાવણીના અધિકારીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે કુપોષણના કારણે 32 બાળકોનાં મોત થયાં હતાં. સહાય એજન્સીને પૂરતા નાણા મળતા નથી. ઉત્તર કેન્યાની નિર્વાસિત છાવણી ચલાવવા 11.1 મિલિયન ડોલરની જરૂરિયાત સામે અડધી રકમ જ મળી હતી. ભારે ભીડ રહેવાથી કોલેરા જેવા ચેપી રોગો ઝડપથી ફેલાય છે.