કમ્પાલાઃ આગામી વર્ષ સુધીમાં દેશના અર્થતંત્રના વિવિધ સેક્ટરમાં ૪ બિલિયન ડોલરનું રોકાણ આકર્ષવા યુગાન્ડા હાલ યુનાઈટેડ આરબ અમીરાતમાં યોજાયેલા દુબઈ એક્સ્પો પર આધાર રાખી રહ્યું હોવાનું દેશની ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. યુગાન્ડાએ જાહેરાત કરી હતી કે ૬૫૦ મિલિયન ડોલરના મૂડીરોકાણ પ્રતિબદ્ધતાના કરારો થયાં છે. તેમાં રિન્યુએબલ એનર્જી અને ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ માટે ૫૦૦ મિલિયન ડોલર, મીનરલ પ્રોસેસિંગ માટે ૫૦ મિલિયન ડોલર અને ૫૦ મિલિયન ડોલર એચઆઈવી/એઈડ્સ, મેલેરિયા અને ટીબીની ઉચ્ચ ગુણવત્તાની ડાયગ્નોસ્ટિક્સ કીટ્સના ઉત્પાદન માટે નવી ફાર્માસ્યુટિકલ્સ ફેસિલીટી ઉભી કરવા માટેના કરારનો સમાવેશ થાય છે.
૧ ઓક્ટોબરથી શરૂ થયેલું ૨૦૨૦ દુબઈ એક્સ્પો ૨૦૦ દેશો અને કેટલાંક સક્ષમ ઈન્વેસ્ટરોને આકર્ષવામાં સફળ રહ્યું છે. છ મહિના સુધી ચાલનારું આ એક્સ્પો તકો, સાતત્યતા અને ગતિશીલતા એમ ત્રણ થીમ પર યોજાયું છે.
યુગાન્ડા તકોની થીમ હેઠળ ભાગ લીધો છે અને ત્યાં નિકાસ અને પ્રવાસનના આકર્ષણો તેમજ ઈન્વેસ્ટમેન્ટની ઉભરી રહેલી તકો રજૂ કરી છે.
યુગાન્ડા ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી મુજબ દેશ આ એક્સ્પોનો ઉપયોગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માઈનીંગ, હેલ્થ, ટુરિઝમ, ખેતી, રીયલ એસ્ટેટ, એનર્જી, ઔદ્યોગીકરણ તથા ઓઈલ અને ગેસના સેક્ટરોમાં મૂડીરોકાણ આકર્ષવા માટે કરવા માગે છે.