નાઈરોબીઃ પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ અમેરિકી સખાવતી સંસ્થા ફોર્ડ ફાઉન્ડેશન સામે કેન્યામાં હિંસા અને અરાજકતા ફેલાવનારાને સ્પોન્સર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો પરંતુ, કોઈ પૂરાવા રજૂ કર્યા નથી. જોકે, ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેઓ દેખાવો કે વિરોધને ફંડિંગ કે સ્પોન્સર કરી રહ્યા નથી. બીજી તરફ, રાજકીય નિષ્ણાતો જણાવે છે કે કેન્યામાં ફોર્ડ ફાઉન્ડેશનની હાજરી નહિવત્ હોવાં છતાં, પ્રમુખ રુટોનો આક્ષેપ તેમની પોતાની કામગીરીની જવાબદારી અન્યો પર ઢોળી દેવાનો પ્રયાસ જણાય છે.
ફોર્ડ ફાઉન્ડેશને આક્ષેપો નકારતા કહ્યું હતું કે તેમની ગ્રાન્ટ્સ આપવાની નીતિ તટસ્થ છે. કેન્યાવાસીઓને ન્યાયી અને સમાનતા ધરાવતા દેશની શાંતિપૂર્ણ હિમાયત કરવાનો અધિકાર સ્વીકારીએ છીએ પરંતુ, કોઈ પણ સંસ્થા, વ્યક્તિ કે કોમ્યુનિટી વિરુદ્ધ હિંસા કે નફરતને સમર્થન આપતા નથી.
રુટો સરકારે 2.7 બિલિયન ડોલરનો ટેક્સવધારો ઝીંક્યો તેનાથી ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી ત્રાસેલી કેન્યાની પ્રજાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. રુટોએ 26 જૂને ફાઈનાન્સ બિલ પાછું ખેંચવા અને તે પછી કેબિનેટને વિખેરી નાખવા અને ખર્ચકાપ સહિતના પગલાં જાહેર કરવા છતાં તેમના રાજીનામાની માગ સાથે વિરોધ અને દેખાવો ચાલુ રહ્યા છે.