નાઈરોબીઃ દેશમાં ચાના વાવેતરને ક્લાઇમેટ ચેન્જને લીધે જોખમ હોવાથી કેન્યાના કેટલાંક ચા ઉત્પાદકો હવે અન્ય પાકો તરફ વળી રહ્યા છે. કેન્યા એક સમયે ચાના ઉત્પાદન માટે ખૂબ યોગ્ય હબ ગણાતું હતું. વિશ્વનું સૌથી મોટા બ્લેક ટી એક્સપોર્ટર કેન્યામાં હાલ ક્લાઇમેટ ચેન્જની અસરો જોવા મળી રહી છે. વધતું તાપમાન, પૂર અને અછતની સ્થિતિને લીધે ચાના પ્લાન્ટેશન સમક્ષ જોખમ ઉભું થયું છે. ચા ઉગાડતા ખેડૂત ગેબ્રિયલ મ્વાન્થા મ્બુબુઆએ જણાવ્યું હતું કે તેમણે તેમની જમીનના થોડા ભાગમાં હવે પાઈનેપલ ઉગાડવાનું શરૂ કર્યું છે. ચેરિટી ક્રિશ્ચિયન એઈડના મે ૨૦૨૧ના અહેવાલમાં જણાવાયું હતું કે વર્ષ ૨૦૫૦ સુધીમાં કેન્યામાં ક્લાઇમેટ ચેન્જને લીધે ચાના ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો ઘટાડો થશે તેનાથી ખેડૂતો અને વર્કરોને નુકસાન થશે.
કેન્યાના કૃષિ, પશુ પાલન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલયના ક્લાઈમેટ ચેન્જ એક્સપર્ટ વેરોનિકા ન્દેતુએ જણાવ્યું હતું કે હાલ જે વિસ્તારોમાં ચાનું વાવેતર કરવામાં આવે છે તે ૨૦૫૦ સુધીમાં અડધા થઇ જશે. માત્ર ચાના ઉત્પાદન પર આધારિત ખેડૂતોની સ્થિતિ ખરાબ થતી જાય છે. ક્રિશ્ચિયન એઈડના રિપોર્ટમાં ચાના ઉત્પાદનના પ્રદેશોને ક્લાયમેટ ચેન્જથી વધતું નુકસાન અટકાવવા કાર્બન ઉત્સર્જન ઘટાડવાની ભલામણ કરવામાં આવી હતી.