રિયો ડી જાનેરો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરોમાં સામાજિક સમાવેશ અને ભૂખ તથા ગરીબી સામે લડતના વિષય પર જી20ના શિખર સંમેલનમાં સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી દિલ્હીમાં જી20 શિખર સંમેલનમાં લેવાયેલા જનકેન્દ્રિત નિર્ણયોને બ્રાઝિલની અધ્યક્ષતામાં આગળ વધારવામાં આવ્યા છે. એ ખૂબ સંતોષજનક વાત છે કે આપણે એસડીજી લક્ષ્યોને પ્રાથમિકતા આપી. એ સ્પષ્ટ છે કે એક પૃથ્વી - એક પરિવાર - એક ભવિષ્યનો મુદ્દો આ શિખર સંમેલનમાં પણ એટલો જ પ્રાસંગિક છે જેટલું ગયા વર્ષે હતું.
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં કહ્યું કે, છેલ્લાં 10 વર્ષમાં અમે 250 મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે. 800 મિલિયન કરતાં વધારે લોકોને મફત ખાદ્યાન્ન આપવામાં આવી રહ્યું છે. 550 મિલિયન લોકો દુનિયાની સૌથી મોટી આરોગ્ય વીમા યોજનાનો લાભ લઈ રહ્યા છે. હવે 70 વર્ષ કરતાં વધારે ઉંમરના 60 મિલિયન વરિષ્ઠ નાગરિકો પણ મફત આરોગ્ય વીમાનો લાભ લઈ શકશે. ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યું છે. અમે તાજેતરમાં જ મલાવી, ઝામ્બિયા, ઝિમ્બાબ્વેને માનવીય સહાયતા પૂરી પાડી છે. વડાપ્રધાને કહ્યું કે અમે ભૂખ, ગરીબી સામે વૈશ્વિક ગઠબંધન માટે બ્રાઝિલની પહેલનું સમર્થન કરીએ છીએ.