અબુજાઃ નાઇજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં ઓવોસ્થિત સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં 5 જૂને રવિવારીય પ્રાર્થના સમયે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં બાળકો સહિત 50નાં મોત નીપજ્યા છે. બંદૂકધારી હુમલાખોરોએ ચર્ચમાં વિસ્ફોટ પણ કર્યો હતો. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દેતાં 50 લોકોનાં મોત નીપજ્યાં છે અને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. રવિવારે પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકત્ર થયા હતા. ચર્ચમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ હતો જે અચાનક ગોળીબારના અવાજો વચ્ચે બૂમરાણ અને ચીસોમાં ફેરવાઈ ગયો હતો
અગાઉ રિવર્સ સ્ટેટમાં પોર્ટ હરકોર્ટ શહેરના કિંગ્સ એસેમ્બલી પેન્ટેકોસ્ટલ ચર્ચમાં 28 મે શનિવારે થયેલી ભારે ધક્કામુક્કીમાં 31 લોકોનાં મોત થયા હતા. પેન્ટેકોસ્ટલ ચર્ચ દ્વારા શનિવારે મફત ચીજવસ્તુઓ વહેંચવાના વાર્ષિક કાર્યક્રમની જાહેરાત કરાઈ હતી. લોકોએ વહેલી સવારના 5 વાગ્યાથી લાંબી લાઈનો લગાવી હતી. એકત્ર થયેલી બેકાબુ ભીડે ચર્ચનો દરવાજો તોડી નાંખ્યા પછી ભાગદોડ શરૂ થઈ ગઈ હતી. ચીજવસ્તુઓની વહેંચણીમાં ધક્કામુક્કી સર્જાતા સંખ્યાબંધ લોકો પડી ગયા હતા.