અબુજા: ઉત્તર પશ્ચિમ નાઇજિરિયાના કાડુના રાજ્યના અંતરિયાળ વિસ્તાર કુરિગા શહેરમાંથી 9 માર્ચે LEA પ્રાઈમરી એન્ડ સેકન્ડરી સ્કૂલમાંથી અપહરણ કરાયેલા ઓછામાં ઓછાં ૩૦૦ બાળકોને મુક્ત કરી દેવાયા હોવાનું રાજ્યના ગવર્નર ઉબા સાનીએ જણાવ્યું છે પરંતુ, વિસ્તૃત માહિતી આપી નથી. મુક્ત કરાયેલાં બાળકોમાંથી ઓછામાં ઓછાં ૧૦૦ બાળકોની ઉંમર ૧૨ વર્ષ કે તેથી ઓછી છે. જોકે, આ અપહરણો માટે કોઇ પણ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.
ઉત્તર નાઇજિરિયામાં શાળામાંથી બાળકોનું અપહરણ સામાન્ય બીના છે. ઉત્તરપશ્ચિમના અન્ય રાજ્ય સોકોટોની એક સ્કૂલમાંથી 15 બાળકો તેમજ ઉત્તરપૂર્વીય રાજ્ય બોરનોમાં મહિલાઓ અને બાળકો સહિત 200 વિસ્થાપિતોના અપહરણ કરાયા હતા. 2014થી નાઈજિરિયાની શાળાઓમાંથી ઓછામાં ઓછાં 1400 બાળકોનાં અપહરણ કરાયાં છે. જોકે, માત્ર શાળાઓ નિશાના પર નથી. ગયા વર્ષે સમગ્ર દેશમાંથી 3500થી વધુ લોકોના અપહરણ થયા હતા. નાઇજિરિયામાં સામૂહિક અપહરણની ઘટનાઓમાં સરકાર કે પરિવારજનો સાથે સમજૂતી કરાયાં પછી જ અપહ્યતોને મુક્ત કરાતા હોઈ કોઇની પણ ધરપકડ ભાગ્યે જ કરવામાં આવે છે.