અબુજાઃ દક્ષિણ-પૂર્વ નાઇજિરિયાની એક ગેરકાયદે ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટના કારણે 100 થી વધુનામ મોત થવા સાથે સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે તેમ છે. રિફાઈનરીમાં થયેલો બ્લાસ્ટ નજીકના એક ઈંધણ ટેન્ક સુધી ફેલાવાથી અનેક લોકોના મોત થયા હતા.
બ્લાસ્ટ થયેલી રિફાઈનરીની બંકરિંગ સાઈટ ઈમો રાજ્યના ઓહાજી એગબેમા સરકારના વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધારે છે.
સ્ટેટ પેટ્રોલિયમ રિસોર્સ કમિશનર ગુડલક ઓપિયાએ જણાવ્યું હતું કે આગ ગેરકાયદે બંકરિંગ સાઇટ પર લાગી હતી જેમાં, 100થી વધુ લોકોના મોત થયા હતા. આ મૃતકોની ઓળખ થઈ શકી નથી. આ બંકરિંગ સાઇટ ઇમો રાજ્યના ઓહાજી-અગબેમા સ્થાનિક સરકાર વિસ્તારમાં છે. અબેઝીનું જંગલ બંને રાજ્યોની સરહદે ફેલાયેલું છે.
ઓઈલ પ્રોડ્યુસર નાઇઝર ડેલ્ટામાં બેરોજગારી અને ગરીબીને કારણે ગેરકાયદે ક્રૂડ રિફાઇનિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટી ઓઇલ કંપનીઓની માલિકીની પાઇપલાઇનના વેબમાંથી ક્રૂડ ઓઇલ ખેંચવામાં આવે છે અને પછી તેનું કામચલાઉ ટાંકીમાં શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ ખતરનાક પ્રક્રિયાને કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા છે.
ગયા વર્ષે ઓક્ટોબરમાં અન્ય ગેરકાયદે રિફાઇનરીમાં વિસ્ફોટ અને આગમાં કેટલાક બાળકો સહિત ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા. ખેતરો, ખાડીઓ અને લગૂન પહેલેથી જ તેલના ઢળવાથી પ્રદૂષિત થઈ ગયા છે. યુથ એન્ડ એન્વાયરમેન્ટલ એડવોકેસી સેન્ટરે જણાવ્યું હતું કે ગેરકાયદેસર ઇંધણ ખરીદવા માટે કતારમાં ઉભા રહેલા ઘણા વાહનો વિસ્ફોટમાં બળી ગયા હતા.