લંડન
નાઇજિરિયાના ઇમો સ્ટેટની રાજધાની ઓવેરીમાં ચૂંટણી કમિશનની મુખ્ય કચેરી પર કેટલાક બંધૂકધારીઓએ હુમલો કર્યો હતો. પોલીસ સાથેની અથડામણમાં 3 હુમલાખોર માર્યા ગયા હતા. હુમલામાં કચેરીના મોટા ભાગ, ફર્નિચર અને ઇક્વિપમેન્ટને નુકસાન થયું હતું. પોલીસે બે હુમલાખોરની ધરપકડ કરી હતી. નાઇજિરિયામાં ફેબ્રુઆરી 2023ના અંત ભાગમાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. પૂર્વ આર્મી જનરલ મહમ્મદ બુહારી ઓફિસમાં સતત બે ટર્મ બાદ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના નથી. તેમના બે ટર્મના કાર્યકાળમાં નાઇજિરિયા ગંભીર આથિક કટોકટી અને વ્યાપક અસુરક્ષામાં ઘેરાઇ ગયો છે.
ચૂંટણી પંચના પ્રવક્તા ફેસ્તસ ઓકોયેએ જણાવ્યું હતું કે, પ્રમુખપદની ચૂંટણી હાથ ધરાય તે પહેલાં ઇમો સ્ટેટમાં છેલ્લા બે સપ્તાહમાં ચૂંટણી પંચની કચેરી પર હુમલાનો આ ત્રીજો પ્રયાસ હતો. ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે ચૂંટણી પ્રચાર લોહિયાળ બની શકે છે. દેશમાં પ્રમુખપદની ચૂંટણી માટેની તૈયારીઓ બે મહિના પહેલાં શરૂ કરાઇ ત્યારબાદ હુમલાના 50 બનાવ નોંધાઇ ચૂક્યાં છે.
જોકે ચૂંટણી પંચની કચેરી પરના હુમલાની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને સ્વીકારી નથી. દક્ષિણપૂર્વ નાઇજિરિયામાં થયેલા સંખ્યાબંધ હુમલાની જવાબદારી ઇન્ડિજિનસ પીપલ્સ ઓફ બાયફ્રા નામના સંગઠન દ્વારા લેવામાં આવી છે. આ સંગઠન ઇગ્બો વંશીય સમુદાય માટે અલગ રાજ્યની માગ કરી રહ્યું છએ. તેણે હાલમાં થયેલી હિંસાની જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં હિંસક હુમલાઓમાં 100 કરતાં વધુ પોલીસ અને સુરક્ષા કર્મચારીના મોત થયા છે.