લંડન
નાઇજિરિયાની સરકારે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને અંગ્રેજીના સ્થાને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. નાઇજિરિયાના શિક્ષણ મંત્રી અદામુ અદામુએ જણાવ્યું હતું કે, નેશનલ લેંગ્વેજ પોલિસીના અમલને સરકાર દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. નવી પોલિસી અંતર્ગત પ્રાથમિક શાળાના પ્રથમ 6 ધોરણમાં સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાનો આદેશ અપાયો છે. અંગ્રેજી નાઇજિરિયાની સત્તાવાર ભાષા છે અને તમામ શિક્ષણ સંસ્થામાં અંગ્રેજી ભાષામાં જ શિક્ષણ અપાય છે.
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, માતૃભાષામાં શિક્ષણ અપાય ત્યારે વિદ્યાર્થી સારી રીતે શીખી શકે છે. જોકે નવી પોલિસીનો અમલ પડકારજનક બની રહેશે કારણ કે અમારે માતૃભાષામાં પુસ્તકો અને અભ્યાસક્રમો તૈયાર કરવા પડશે અને માતૃભાષામાં શિક્ષણ આપનારા શિક્ષકો પણ નિયુક્ત કરવા પડશે.
નાઇજિરિયાની સરકાર સામે બીજો મોટો પડકાર ભાષાઓનો છે. નાઇજિરિયામાં 600 કરતાં વધુ ભાષા બોલાય છે. જોકે સરકાર દ્વારા નવી નીતિનો અમલ ક્યારથી કરાશે તેની સ્પષ્ટતા કરાઇ નથી.