અબુજા: પશ્ચિમ આફ્રિકાના નાઇજીરિયામાં એક રહસ્યમય બીમારીને કારણે ૧૮ લોકોનાં મોત થયાં છે. બીમારીનો પહેલો કેસ ઓંડો પ્રાંતના ઓડ આઇરેલે શહેરમાં નોંધાયો હતો. જોતજોતામાં દક્ષિણપૂર્વ નાઇજીરિયાનો મોટો હિસ્સો આ બીમારીના સકંજામાં આવી ગયો છે. આ બીમારીમાં આંખોમાં અંધારું અનુભવાય છે, માથું દુઃખે છે અને દર્દી બેભાન બની જાય છે. ૨૪ કલાકમાં જ દર્દી મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રવક્તા ગ્રેરરી હાર્ટે જણાવ્યું હતું કે દર્દીઓમાં ૧૩થી ૧૫ એપ્રિલ વચ્ચે બીમારીનાં લક્ષણો દેખાયાં હતાં. અત્યાર સુધીમાં ૧૮ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. એમ માનવમાં આવે છે કે આ બીમારીના વાઇરસ માનવીનાં ચેતાતંત્ર પર સીધો હુમલો કરે છે.