નાઇરોબીઃ કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા અહીં ૨૩મા સમૂહલગ્નોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ૨૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે ભારતીય રાજદૂતે સમાજની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ, સંસ્કાર અને સ્વમાન જાળવવામાં કચ્છી સમુદાય વિદેશમાં વસવાટ કરતા પ્રત્યેક ભારતીય વર્ગમાં પ્રેરણારૂપ છે. અંદાજે સાત હજાર જ્ઞાતિજનોએ આ લગ્નોત્સવ માણ્યો હતો. કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ આર. ડી. વરસાણી (સામત્રા)એ સહુને આવકારીને જણાવ્યું હતું કે, અન્ન બગડે તેનું મન અને અંતે આચાર બગડે તેથી અન્નનો કોઇપણ અર્થમાં બગાડ ન કરવો જોઇએ. હિન્દુ કાઉન્સિલ કેન્યાના અધ્યક્ષ ચેરમેન નીતિન માલદે અને સભ્યોએ પણ રૂબરૂ શુભેચ્છા પાઠવી હતી. હિન્દુ ધર્મ સેવા કેન્દ્રના ટ્રસ્ટીઓ, સભ્યો, મોમ્બાસા, એલ્ડોરેટ, કીસુમુ, નકુરુ, કમ્પાલા સમાજના હોદ્દેદારો, સભ્યો, ઇસ્ટ આફ્રિકા સત્સંગ સ્વામિનારાયણ મંદિર અને કચ્છ સત્સંગ સ્વામિનારાયણ તાબા મંદિરના પ્રતિનિધિઓ, હિન્દુ કાઉન્સિલ આફ્રિકાના પૂર્વ ચેરમેન અને એલ. આર. એકેડેમીના દાતા મૂળજીભાઇ લાલજીભાઇ પીંડોરિયા, નાઇરોબી સમાજના ટ્રસ્ટી કે. કે. પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ, કમિટી સદસ્યો, આમંત્રિતો, માંડવી સમાજના પ્રમુખ માવજીભાઇ રાબડિયા, ટ્રસ્ટી વિશ્રામભાઇ કેરાઇ (માંડવી), વાલજી હાલાઇ એલ્ડોરેટથી સત્સંગી અગ્રણી રામજી દેવજી વેકરિયા, યુવા દાતા કાંતિ નારાણ મનજી કેરાઇ સહિતના અનેક સંસ્થાના હોદ્દેદારો-સભ્યો સહિતના આગેવાનો આ પ્રસંગે હાજર રહ્યા હતા.