નિઆમેઃ વિશ્વના સૌથી અસ્થિર દેશોમાં એક નાઈજરના મિલિટરી એલીટ ગાર્ડ ફોર્સ જૂથે ચૂંટાયેલા પ્રેસિડેન્ટ મોહમ્મદ બાઝૌમને સત્તા પરથી દૂર કર્યા હોવાની જાહેરાત નેશનલ ટેલિવિઝન પર બુધવાર 26 જુલાઈની રાત્રે કરી છે. લશ્કરી વડાએ સત્તા સંભાળી લીધાના અહેવાલ વચ્ચે પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સના કમાન્ડર જનરલ અબ્દોઉરરહેમાને ટિઆનીએ પોતાને દેશના વડા જાહેર કર્યા હતા. બીજી તરફ, લશ્કરી બળવાને ટેકો આપતા ફ્રાન્સની એમ્બેસીની સામે હિંસક દૃશ્યો સર્જાયા હતા. બળવાસમર્થક દેખાવકારોએ ફ્રેન્ચ દૂતાવાસ પર હુમલો કરવા સાથે પુતિન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
આ પહેલા પ્રેસિડેન્શિયલ ગાર્ડ્સ જૂથે પેલેસની ઘેરાબંધી કરી પ્રમુખની અટકાયત કરી હતી. પ્રમુખને દૂર કરવા માટે સુરક્ષાની વણસેલી હાલત અને ખરાબ વહીવટને કારણરૂપ ગણાવાયા છે. ગણવેશમાં સજ્જ નવ ઓફિસરોથી વીંટળાયેલા લશ્કરી દળોના પ્રવક્તા કર્નલ આમાડાઉ આબ્રામાનેએ જણાવ્યું હતું કે ડિફેન્સ અને સુરક્ષા દળોએ વણસી રહેલી સુરક્ષાની હાલત અને ખરાબ વહીવટના પરિણામે આ શાસનનો અંત લવાયો છે. દેશની સરહદો સીલ કરાઈ છે અને રિપબ્લિક સંસ્થાઓ સ્થગિત કરી દેવાયા સાથે રાષ્ટ્રીય કરફ્યૂ લગાવાયો છે. મિલિટરી જૂથે કોઈ પણ વિદેશી હસ્તક્ષેપ વિરુદ્ધ ચેતવણી આપી હતી.
બીજી તરફ, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિન્કને બંદી પ્રમુખ બાઝૌમ સાથે વાત કરી તેમને યુએસનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. બ્લિન્કને પ્રમુખને તત્કાળ મુક્ત કરવાની પણ માગણી કરી છે. યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિઓ ગુટેરેસે પણ બાઝૌમ સાથે વાત કરી સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ફ્રેન્ચ પ્રમુખ આફ્રિકન ઇમાન્યુઅલ મેક્રોંની ઓફિસે જાહેરાત કરી કે નાઇજરમાં ફ્રેન્ચ વ્યક્તિઓ કે સુવિધાઓ પર હુમલો કરનારને ફ્રાન્સની જવાબી કાર્યવાહીનો સામનો કરવો પડશે. યુનિયન કમિશન તેમજ ઈકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટ્સ દ્વારા બળવાને વખોડી કઢાયો હતો.