અબુજાઃ નોર્થ-વેસ્ટ નાઈજિરિયાને જીવલેણ લેડ-સીસાના પ્રદૂષણમાંથી સ્વચ્છ કરવાના પ્રયાસોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. સોનાની ખાણોમાં ઉત્ખનન અને સોનાને ગાળવાની પદ્ધતિમાં સીસાના પ્રદૂષણના કારણે આન્કા માઈનિંગ ટાઉનમાં દરરોજ બાળકોના મોત થતાં હતાં પરંતુ, હવે મોટી સિદ્ધિ સ્વરુપે આ મોતની ઘટનાઓ નામઃશેષ થઈ છે.
નાઈજિરિયાના ઝામ્ફારા સ્ટેટમાં છેક 2010થી 600થી વધુ બાળકોના લેડ પોઈઝનિંગથી મોત નીપજ્યાં હતાં અને હજારો બાળકો મગજને નુકસાન અને શારીરિક પંગુતાથી પીડાતાં હતાં. આ બાળકોની સારવાર કરવી પણ મુશ્કેલ બનતી હતી. આન્કા ખાતે સીસાના ઝેરથી અસરગ્રસ્ત બાળકોની સારવાર કરનારા મેડિસિન્સ સાન્સ ફ્રન્ટિયર્સ (MSF) સાતે સંકળાયેલા ફ્રેડરિક ચુક્વુએમેઝના કહેવા અનુસાર ઘણા પેશન્ટ્સ સતત આંચકીથી પીડાતા હતા અને કોઈ પણ દવાઓથી તેના પર અંકુશ મેળવી શકાતો ન હતો. બાળકો બોલી શકતાં ન હતાં કે ચાલી શકતાં ન હતા. તેઓ હંમેશા પથારીમાં પડ્યા રહેતાં હતાં. બાળકોને ગમે ત્યારે મોત આવી જતું હતું.
જોકે, ગત ઓક્ટોબર પછી તેમની સારવાર હેઠળના કોઈ પણ બાળકનું મોત થયું નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સહિયારા પ્રયાસ થકી રાજ્યમાં લેડ પોઈઝનિંગના કેસીસનો લગભગ અંત આવી ગયો છે. ઝામ્ફારા સ્ટેટના સાત ગામમાં 2010માં લેડ પોઈઝનિંગના કારણે છ મહિનામાં 400 બાળકોના મોત થવાથી સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટા ભાગે ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજ પ્રોસેસિંગના જોખમો તરફ સહુનું ધ્યાન ખેંચાયું હતું. આ પછીના વર્ષોમાં વધુ બાળકોના મોત અને પોઈઝનિંગના હજારો કેસીસમાં મગજને નુકસાન અને શારીરિક અપંગતાની ઘટનાઓ બહાર આવી હતી.
આના પરિણામે, સ્થાનીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સંયુક્તપણે લેડ પોઈઝનિંગ ઘટાડવા લાંબા ગાળાનો પ્રોગ્રામ ઘડ્યો હતો. અસરગ્રસ્ત માઈનિંગ કોમ્યુનિટીઓના 800થી વધુ બાળકોની તપાસ કરાઈ હતી તેમજ 3500થી વધુ બાળકોનાં લોહીમાંથી સીસાને દૂર કરવા લાંબી ચેલેશન થેરાપી આપવામાં આવી હતી. 5000થી વધુ ખાણિયા અને કોમ્યુનિટી વર્કર્સને ખનીજોના સલામત ઉત્ખનન કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી.