લાગોસઃ મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવતા નાઈજર રાજ્યમાં નેશનલ એસેમ્બલીના સ્પીકર અબ્દુલમલિક સારકિન્ડાજી દ્વારા સ્પોન્સર કરાયેલા સામૂહિક લગ્નસમારંભમાં 100 છોકરીઓ અને યુવતીઓના લગ્ન કરાવવાના આયોજન સામે ભારે વિરોધ જાગ્યો છે. નાઈજિરિયન એક્ટિવિસ્ટોએ બળજબરીથી કરાવાતા સામૂહિક લગ્નોને અટકાવવા પિટિશન લોન્ચ કરવામાં આવી છે. આયોજકોનું કહેવું છે કે ગેંગ્સ દ્વારા પેરન્ટ્સની હત્યાના પગલે અનાથ થયેલી 100 છોકરીનાં સામૂહિક લગ્ન કરાવાઈ રહ્યાં છે.
નાઈજિરિયાના મહિલા બાબતોના મિનિસ્ટ ઉજુ કેનેડી ઓહાનેન્યેએ જણાવ્યું છે કે તેઓ આગામી સપ્તાહના લગ્નો અટકાવવા કોર્ટનો મનાઈહૂકમ લાવશે અને ઘણી છોકરીઓ સગીર હોવાનું સ્થાપિત કરશે. બીજી તરફ,સારકિન્ડાજીએ કહ્યું હતું કે અપહરણો કરનારી ગેંન્ગ્સના હુમલાઓમાં માર્યા ગયેલા પેરન્ટ્સની છોકરીઓ અને યુવતીઓ અનાથ છે અને વરરાજાઓને દહેજ તેઓ જ ચૂકવવાના છે. સારકિન્ડાજી અને ઈમામ્સ ફોરમ ઓફ નાઈજરે જણાવ્યું છે કે 24 મેએ લગ્ન સમારોહ અવશ્ય યોજાશે અને કોઈ અનાથ છોકરી સગીર નથી.
બુધવાર 16 મેએ લોન્ચ કરાયેલી પિટિશન પર 8,000થી વધુ સહીઓ થઈ છે. પિટિશનમાં જણાવ્યું છે કે નાઈજર સ્ટેટની સરકારે બળજબરીથી અનાથ છોકરીઓનાં લગ્નોને નહિ પરંતુ, શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ. દરમિયાન, મુસ્લિમ નોર્થ વિસ્તારો ભારે ગરીબ છે અને બાળલગ્નો સામાન્ય છે. ફેડરલ કાયદા હેઠળ છોકરીઓ માટે લગ્નની વય 18 વર્ષ છે પરંતુ, નાઈજિરિયન રાજ્યો આગવી લગ્નવય નિશ્ચિત કરી શકે છે. શરીઆ કાયદા હેઠળ છોકરીઓ પ્રજનનક્ષમ બને ત્યારે તેમનાં લગ્ન કરાવી શકાય છે.