અબુજાઃ નાઈજિરિયાના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ (NBS) સર્વેના આંકડા અનુસાર મે 2023થી એપ્રિલ 2024 સુધીના એક વર્ષમાં 2.2 મિલિયન લોકોના અપહરણ કરાયા હતા તેમજ આશરે 600,000 નાઈજિરિયન્સની હત્યા કરાઈ હતી. આ જ સમયગાળામાં અપહ્યતોને મુક્ત કરાવવા લોકોએ અપહરણકારોને સંયુક્તપણે 1.42 બિલિયન ડોલરની ચૂકવણી કરી હતી.
નોર્થવેસ્ટ અને નોર્થ સેન્ટ્રલ નાઈજિરિયામાં હિંસામાં વૃદ્ધિ માટે બેન્ડિટ્સ કે ડાકુઓ તરીકે ઓળખાતી સશસ્ત્ર ગેંગ્સ જવાબદાર મનાય છે. બીજી તરફ, નોર્થઈસ્ટ નાઈજિરિયામાં આતંકવાદ સંબંધિત હિંસા ફેલાઈ છે. અપહરણોમાં 91 ટકા કિસ્સા બાનની રકમ મેળવવા માટે જ્યારે બાકીના કિસ્સા રાજકીય, ક્રિમિનલ અથવા આતંકવાદી માગને સંબંધિત હતા. નાઈજિરિયનોએ બંધકોને મુક્ત કરાવવા સંયુક્તપણે 1.42 બિલિયન ડોલર એટલે કે પ્રતિ અપહરણ સરેરાશ 1700 ડોલર ચૂકવ્યા હતા.
NBS રિપોર્ટ મુજબ 82.1 ટકા અપહ્યતોને મુક્ત કરી દેવાયા હતા, 12.8 ટકાની હત્યા કરાઈ હતી, 3.3 ટકાને છોડાયા ન હતા જ્યારે 1.3 ટકા અપહ્યતોનું ભાવિ અનિશ્ચિત ગણાયું છે. આ જ સમયગાળામાં દેશના 10માંથી લગભગ 7 પરિવારોએ હત્યા કેસીસનું રિપોર્ટિંગ પોલીસને કર્યું હતું. બીજી તરફ, ડિફેન્સ સત્તાવાળાએ દાવો કર્યો છે કે મિલિટરીએ ગત વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બરના ગાળામાં 8,000 આતંકવાદીને ખતમ કર્યા હતા, 11,000થી વધુ શકમંદોને પકડ્યા હતા અને 8000 વિક્ટિમ્સને બચાવ્યા હતા.