લાગોસઃ પશ્ચિમ આફ્રિકન દેશ નાઈજિરિયાના મોટાં શહેરોમાં ફ્યૂલની ભારે તંગીના કારણે ચોતરફ કતારો દેખાય છે. દેશમાં આર્થિક કટોકટી ચાલે છે ત્યારે લાખો લોકો માટે ફ્યૂલની અછતે ભારે મુશ્કેલી સર્જી છે. દેશની રાજધાની અબૂજા સહિતના શહેરોમાં ગેસ સ્ટેશનો પર ખાનગી વાહનો અને ટેક્સીમાલિકોની 3 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો મુખ્યત્વે જાહેર પરિવહન પર આધાર રાખે છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચામાં પણ 15 ટકાનો વધારો થયો છે.
વિધિની વક્રતા એ છે કે નાઈજિરિયા આફ્રિકાના સૌથી મોટા ક્રુડ ઓઈલ ઉત્પાદકોમાં એક છે પરંતુ, વારંવારની હડતાળો અને ખોરવાયેલા પૂરવઠાના કારણે ગેસોલીનની અછત સામાન્ય છે. ફ્યૂલ કંપનીઓ વર્તમાન પરિસ્થિતિનો લાભ લઈ વધુ નફો કમાઈ રહી હોવાનો આક્ષેપ પણ સરકારી ઓઈલ કંપનીએ કર્યો છે. નાઈજિરિયાની રિફાઈનરીઓની કામગીરી નબળી રહેવાથી દેશને ફ્યૂલની આયાત પર ભારે આધાર રાખવો પડે છે. લાગોસમાં આફ્રિકાની સૌથી મોટી રિફાઈનરી તાજેતરમાં ખુલ્લી મૂકાઈ છે જેનાથી પૂરવઠો સુધરશે તેવી આશા રખાય છે. જોકે, ખાનગી ફ્યૂલ કંપનીએ હજુ પણ ડિઝલ અને એવિએશન ફ્યૂલનું જ ઉત્પાદન કરે છે. નાઈજિરિયામાં વીજ પૂરવઠાની સ્થિતિ પણ ખરાબ હોવાથી બિઝનેસીસે જનરેટર્સ પર આધાર રાખવો પડે છે અને તેમને પણ આ તંગીથી મુશ્કેલી નડી રહી છે.