અબુજાઃ નાઈજિરિયાના પ્લેટુ પ્રાંતની રાજધાની જોસ સિટીમાં 12 જુલાઈએ સેઈન્ટ એકેડેમી સ્કૂલ ધરાશાયી થતાં ઓછામાં ઓછાં 22 વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા તેમજ 132ને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાઈવેટ હાઈ સ્કૂલની ત્રણ મજલાની ઈમારત ધરાશાયી થયા બાદ 154 વિદ્યાર્થી કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવાયા હતા.
લોકોએ જણાવ્યું હતું કે શાળાના એક વર્ગખંડમાં અચાનક તિરાડો દેખાઈ હતી અને ગણતરીની સેકન્ડોમાં છત નીચે આવી હતી. આ શાળામાં 1000થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરતા હોવાનું કહેવાય છે. શાળા તૂટી પડવાનું કોઈ કારણ જણાવાયું નથી પરંતુ, સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પ્લેટુ પ્રાંતમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડ્યો છે. નાઈજિરિયન સરકારે ઝડપી તબીબી સુવિધા આપવા માટે હોસ્પિટલોને કોઈપણ દસ્તાવેજ અથવા ચુકવણી વિના સારવાર શરૂ કરવા સૂચના આપી હતી.