અબુજાઃ ઉત્તરપૂર્વીય નાઇજીરિયાનાં બોર્નો રાજ્યમાં મહિલા આત્મઘાતી બોમ્બર્સ ત્રાટક્યાં હતાં જેમણે એક લગ્ન સમારંભ, જનરલ હોસ્પિટલ અને ફ્યુનરલ સ્થળને નિશાન બનાવ્યાં હતા. આ ત્રણ બોમ્બવિસ્ફોટમાં ઓછામાં ઓછાં 18લોકોના મોત નીપજ્યા હતા અને 48થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
બોર્નો સ્ટેટ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (SEMA) ના જણાવ્યા અનુસાર પહેલો બોમ્બ બ્લાસ્ટ શનિવારે સ્થાનિક સમય બપોરે આશરે ૩ કલાકે એક લગ્નની ઊજવણી સમારંભમાં થયા પછી ગ્વૌઝાસ્થિત એક જનરલ હોસ્પિટલમાં અને ત્રીજો બ્લાસ્ટ એક જનાજા સમયે થયો હતો. ફ્નુરલ સર્વિસમાં એક સ્યુસાઈડ બોમ્બર શોકાતુર તરીકે સામેલ થઈ હોવાનું કહેવાય છે. એજન્સીના મુજબ ગ્વૌઝા શહેરમાં તત્કાળ રાહતના પગલાંની વ્યવસ્થા ગોઠવાઈ હતી.
નાઈજીરીયામાં ત્રાસવાદી જૂથો સક્રિય છે. બોર્નો રાજ્યમાં ઈસ્લામિક આતંકી જૂથ બોકો હરામ 2009થી વધુ સક્રિય છે. બીજી તરફ, પેટ્રિઓટિક લિબરેશન ફ્રન્ટે ચીન સાથેનો ૪૦૦ મિલિયન ડોલરનો પાઈપલાઈન કરાર રદ ન કરાય ત્યાં સુધી હુમલાઓ ચાલુ રાખવાની ધમકી આપેલી છે. અગાઉ, ગત 25 જૂને ત્રાસવાદી હુમલામાં ૨૧ સૈનિકો માર્યા ગયા હતા. નાઈજિરિયા ઉપરાંત, પડોશી દેશો માલી અને બુર્કીના ફાસો પણ અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલાં આતંકી જૂથોનો સામનો કરી રહ્યાં છે.