વાગાડુગુઃ આફ્રિકાના સાહેલ ક્ષેત્રમાં બુર્કિના ફાસો- નાઈજિરિયાની સરહદ નજીક મોટર સાઈકલ્સ પર જઈ રહેલા નાઈજીરિયાના 40 આતંકવાદીનો ફ્રાન્સના લશ્કરે ડ્રોન હુમલામાં સફાયો કરી નાખ્યો હતો. આતંકવાદ સામે ફ્રાન્સની લડતના ભાગરૂપે ‘ઓપરેશન બરખાને’ હેઠળ ડ્રોનથી એરસ્ટ્રાઈક થઈ હતી.
ગુપ્તચર વિભાગની બાતમીના આધારે ફ્રેન્ચ લશ્કરે આ કાર્યવાહી કરી હતી. આ આતંકવાદીઓની ટૂકડી બુર્કિના ફાસો અને નાઈજીરિયામાં આતંકવાદી પ્રવૃત્તિમાં લોકોને નિશાન બનાવતી હતી. નાઈજીરિયાના ઉત્તર-પશ્વિમી વિસ્તારોમાં હુમલા થતા રહે છે. આ ડ્રોન સ્ટ્રાઈક પહેલાં ફ્રાન્સની ટીમ નાઈજીરિયન સુરક્ષાદળના સંપર્કમાં હતી. આટલી મોટી સંખ્યામાં આતંકીઓ માર્યા ગયા હોય એવું છેલ્લાં ઘણાં વર્ષોમાં પહેલી વખત બન્યું હતું. થોડા દિવસ પહેલાં જ બુર્કિના ફાસોમાં આતંકી હુમલા 55 લોકોનાં મોત થયા હતા. આ પછી ફ્રાન્સના લશ્કરે ડ્રોન હુમલાની કાર્યવાહી કરી હતી.
બુર્કિના ફાસોના સરહદી વિસ્તારોમાં છેલ્લાં બે વર્ષમાં આતંકવાદી હુમલામાં 5000લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આતંકવાદીઓ સામે લડવા માલી, નાઈજીરિયા, મોરિટાનિયા, બુર્કિના ફાસોએ મળીને એક લશ્કરી ટૂકડી પણ બનાવી છે. ફ્રાન્સ આ દેશોની મદદ માટે આતંકીઓ સામે લડત ચલાવે છે.